Vadodara

વિશ્વામિત્રી નદીમાં મગર-કાચબાના સંરક્ષણ માટે કેન્દ્રની માર્ગદર્શિકા

ડિસિલ્ટિંગ કામગીરી દરમિયાન પ્રાણીઓ માટે વિશેષ તકેદારી રાખવાની સુચનાઓ

વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરતી વખતે, તેમાં વસવાટ કરતી શિડ્યુલ-1 પ્રજાતિઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. ખાસ કરીને માર્શ મગર અને સોફ્ટશેલ ટર્ટલ માટે આ કામગીરી દરમિયાન અસ્થાયી સ્થળાંતર અને સંભાળ માટે સુચનાઓ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની ક્ષતિ રોકવા માટે, રાજ્ય વન વિભાગની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. કામગીરી દરમિયાન પ્રાણીઓને ઓછી તકલીફ થાય તે માટે અને તેમનું આરોગ્ય જાળવી શકાય તે માટે વેટરનરી સપોર્ટ પણ ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી વડોદરાના ઈકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ ભાગ છે. અહીં વસવાટ કરતી શિડ્યુલ-1 પ્રજાતિઓની સંખ્યા અને સંરક્ષણ સરકાર માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપથી નદીના કુદરતી તંત્ર પર નકારાત્મક અસર ન પડે, તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. હવે કોર્પોરેશન અને સિંચાઇ વિભાગ આ માર્ગદર્શિકાનું પાલન કરે છે કે કેમ તે આવનાર સમયમાં જોવાનું રહેશે.


તમામ પ્રક્રિયાનો ત્રિમાસિક રિપોર્ટ કેન્દ્રીય મંત્રાલયને મોકલવાનો રહેશે

મગર અને નરમ શેલવાળા કાચબાને કાર્ય દરમિયાન અસ્થાયી સ્થળે ખસેડતી વખતે સમગ્ર કામગીરી વન વિભાગ અને ક્લેફ વાઇલ્ડલાઇફ વોર્ડનના માર્ગદર્શન હેઠળ કરવી જરૂરી છે. કેપ્ચર પછીની કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે પ્રાણીઓની નિયમિત તબીબી તપાસ અને તેમની તકેદારી રાખવી આવશ્યક છે. દરમિયાન, પ્રાણીઓ માટે ન્યૂનતમ તણાવ રહે તે સુનિશ્ચિત કરવું, જેથી તેઓ પર્યાવરણમાં સરળતાથી સમાઈ શકે. કામગીરી પૂર્ણ થયા પછી, મગર અને કાચબાને પાછા તેમના નિવાસસ્થાનમાં સલામત રીતે છોડવાની વ્યવસ્થા કરવી. તેમજ વન વિભાગ દ્વારા આ તમામ પ્રક્રિયાનો ત્રિમાસિક રિપોર્ટ મંત્રાલયને મોકલવો, જેથી કામગીરીની અસરકારકતા અને પ્રાણીઓના આરોગ્ય પર તેની અસરનું મૂલ્યાંકન કરી શકાય.

Most Popular

To Top