ચારેય દાનપેટી માંથી આશરે રૂ.55,000ના રોકડ રકમની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના લાલબાગ બ્રિજ નજીક આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાંથી એક જ રાતમાં ચાર દાનપેટીનાં તાળાં તોડી તસ્કરોએ આશરે કુલ રૂ 55,000ના રોકડ રકમની ચોરી કરી હોવાની નવાપુરા પોલીસ સ્ટેશનમાં મંદિરના ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોએ ચોરી થકી તરખાટ મચાવી દીધો છે.લોકોએ હવે એક કલાક કે એક દિવસ માટે પણ મકાન બંધ કરીને પ્રસંગે અથવાતો કામ માટે બહાર જવું જોખમી બની ગયું છે અધૂરામાં પૂરું હવે તસ્કરોએ ભગવાનના મંદિરને પણ નિશાન બનાવી ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તસ્કરોને જાણે પોલીસનો તો ડર નથી રહ્યો પરંતુ ધર્મ અને ભગવાનનો પણ કોઇ ભય ન હોય તેવું જણાય છે. ગત તા. 04 માર્ચ,2025ના રોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શિવમ સોસાયટીમાં રહેતા ધનંજય વલ્લભાઇ પટેલ જેઓ લાલબાગ બ્રિજ નજીક આવેલા કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી છે તેઓ રાત્રે બારેક વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે ગયા હતા ત્યારે સવારે પાંચ વાગ્યે મંદિરના સેવાદાર ભાઇલાલ ભાઇએ ધનંજયભાઇને ફોન કરીને મંદિરમાં દાનપેટીમાથી ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું જેથી ધનંજયભાઇ કાશી વિશ્વનાથ મંદિર ખાતે દોડી આવ્યા હતા જ્યાં મંદિરમાં ગર્ભગૃહ આગળ મૂકેલી દાનપેટી તૂટેલી હતી અને દાનપેટીમા મૂકેલા બે સ્ટીલના ડબ્બા નીચે ખાલી પડ્યા હતા કાશીવિશ્વનાથ મંદિર ની જમણી બાજુએ સોમનાથ મહાદેવ મંદિર ના સભામંડપમાં રાખેલી દાનપેટી જણાઇ ન હતી ત્યારબાદ ત્રીજા વિશ્વનાથ ગણપતિ મંદિરના ગર્ભગૃહ આગળ રહેલી દાનપેટી નાં અંદરના તાળાં પણ તૂટેલા હતા સાથે જ અહીં આવેલા હનુમાન મંદિર ના ગર્ભગૃહ દીવાલની જમણી તરફ દીવાલમાં લગાવેલ દાનપેટી નું તાળું પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને એક મંદિરની દાનપેટીના પાછળના ભાગે તાળું તૂટેલું હતું આમ આ ચારેય દાનપેટી માંથી આશરે રૂ.55,000ની રોકડ રકમની ચોરી થઇ હોવાની નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
