ભાજપના જ કોર્પોરેટરના 21 લાખ ખંખેરીને ઠગ બેલડીએ 1 કરોડ પડાવ્યા હતા


વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ સહિત કમલેશ દેત્રોજા અને જમીન માલિકે મળીને શહેર નજીક સુખલીપુરા ગામની જમીન દોઢ કરોડમાં વેચાણ આપવાના બહાને પૂજારી પાસેથી 1.04 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો નહોતો. આ મામલે બંને આરોપી સામે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવનાર વાઘોડિયા તાલુકાના ભાણીયારા ગામમાં રહેતા રમેશભાઇ અરવિંદભાઇ પટેલ છેતરપિંડીનો ભોગ બન્યા હતા.nઅંબે માતાના મંદિરે પુજા-પાઠ કરતા પૂજારીએ જણાવ્યું હતું કે તે મંદિરની બાજુમાં દિલીપસિંહ ગણપતસિંહ ગોહીલ રહે.રામા પેલેસીયો, ઇસ્કોન હેલીટેટ પાસે, ન્યુ અલ્કાપુરી, ગોત્રી, અવાર નવાર દર્શનાર્થે આવતાં હતા, છેલ્લા 25 વર્ષથી દિલીપસીંહ ઓળખતા હોવાથી 2015માં મારા મંદીરની બાજુમાં આવેલ સુખલીપુરા ગામ ખાતેની જમીન અમૃતલાલ નરભેરામ પરંચા (રહે. અમરેલી)ને વેચાણ આપેલી છે. જે જમીનનો વહીવટ કમલેશભાઇ લાલજીભાઇ દેત્રોજા (રહે. વાત્સલ્ય કુંજ, નારાયણ વાડી પાસે, અટલાદરા, વડોદરા) કરે છે .
મારે અંબે માતાના મંદીર માટે જમીન વેચાણ લેવાની વાત મે દીલીપસિંહ ગોહિલને કહી હતી, જેથી ડીસેમ્બર-2023માં દીલિપસિંહે મને ફોન કરી સમા સાવલી રોડ ઉપર અજીતાપાર્કની સામે આવેલ કિરીટભાઈ શાહની ઓફીસની બહાર ચા નાસ્તાની લારી પાસે બોલાવતા હું ત્યાં ગયો હતો, ત્યારે કમલેશભાઈ દેત્રોજાની હાજરીમા અમારા ત્રણે વચ્ચે આ જમીનની ખરીદ-વેચાણની વાતચીત થઈ હતી.
ભેજાબાજોએ મને કહ્યું હતું કે, અંબે માતાના મંદિરની બાજુમાં આવેલ સુખલીપુરા સર્વે નંબર 215ની જમીનનો વહીવટ કમલેશભાઈ દેત્રોજા કરે છે એજમીનના મુળ માલિક અમૃતલાલ નરભેરામ પરેચા (રહે. અમરેલી) છે. જે જમીનનો તમામ કારોબાર સંભાળવા માટેની પાવર ઓફ એટર્ની કમલેશભાઇ દેત્રોજાને કરી આપી હતી. મને કમલેશભાઈએ પાવર ઓફ એટર્નીની નકલ વાંચવા પણ આપી હતી.
અને તરત નકલ પરત લઇને કહ્યું હતું કે, આ પાવરની ઝેરોક્ષ નકલ કાઢી ને પછી તમને આપીશ. બન્ને ઠગે કહ્યું કે, આ જમીન અમુતલાલ નરભેરામ પરચાને વેચવાની છે. વર્ષોથી પરિચિત હોવાના કારણે મને તેઓ બંન્ને ઉપર વિશ્વાસ આવતાં જમીન દોઢ કરોડ રૂપીયામાં વેચાણનો સોદો નક્કી થયો હતો.અને જમીનના 1.04 કરોડ રૂપીયા આપ્યા હતા અને બાકીના 45.83 લાખ રૂપીયા દસ્તાવેજ સમયે આપવાનું નક્કી કર્યું હતું.
અવાર નવાર જમીન વેચાણ દસ્તાવેજ કરી દેવા માટે કહેતા છતાં બહાના બતાવતા જમીનના મુળ માલીક અમૃતલાલ નરભેરામ પરેચા બીમાર છે. થોડા સમયમાં કરી આપીશું. તેમ પણ જણાવ્યું હતું.અને દસ્તાવેજ કરવા બાબતે આનાકાની કરવા લાગ્યા હતા, વારંવાર બહાના બતાવવા શંકા જાગી હતી, છતાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ જમીન તેઓએ પરાક્રમસિંહ જાડેજાને તા.19/11/2024ના રોજ વેચાણ કરી દીધી છે. ભેજાબાજો સાથે જમીન અથવા નાણા બાબતે અન્ય એક વખત માગણી કરવા છતાં ના છુટકે કાનુન નો સહારો લેવો પડ્યો હતો.જેથી આ મામલે છેતરપિંડીની ફરિયાદ દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સુખલીપુરા ખાતે આવેલી જમીન મોરબીના મૂળ માલિકની હતી. જેનો સોદો રૂ.1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને કરતા ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી. અને તે બદલ માલિકને આપેલો ચેક જમા નહી થતાં પરાક્રમસિંહ જાડેજાને શંકા ગઇ હતી સગાઈ નો ભોગ બનેલા કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપી ભાજપ નેતા દિલીપસિંહ ગોહિલ હજુ ફરાર છે અને આજે વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.