એબીવીપીએ માટલામાં ઈન્ચાર્જ વીસીને આવેદનપત્ર આપ્યું :
આગામી દસ દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા ઈ.વીસીએ ખાતરી આપી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.4
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જુદી-જુદી ફેકલ્ટીઓમાં ગંદા પાણી મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઈન્ચાર્જ વીસીને માટલામાં આવેદનપત્ર આપીને વહેલી તકે સમસ્યાનો નિકાલ કરવાની માંગણી કરી હતી. જોકે,ઈન્ચાર્જ વીસી દ્વારા આગામી દસ દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જુદી-જુદી ફેકલ્ટીઓમાં ગંદા પાણીની સમસ્યા ઉદભવી છે, સાથે જ પાણીની ટાંકીઓ પણ સાફ કરવામાં આવતી નહીં હોવાથી વિદ્યાર્થીઓને ગંદા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જેથી મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. તેમજ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલને માટલામાં આવેદનપત્ર પાઠવી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ અને દરેક હોસ્ટેલમાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવાની રજૂઆત કરી હતી તેમજ પાણીની ટાંકીઓમાં સ્વચ્છતા અને જાળવણી, હોસ્ટેલમાં યોગ્ય પીવાના ગ્લાસોનો અભાવ અને કેમ્પસમાં સ્વચ્છ પીવાનું પાણી,તમામ ફેકલ્ટીઓમાં અને હોસ્ટેલમાં પીવાના પાણીના ફિલ્ટર અને સમયસર સફાઈ અને જાળવણીના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

એબીવીપીના અધ્યક્ષ હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે, માટલામાં આવેદનપત્રને લઈ ઈન્ચાર્જ વીસીને રજૂઆત કરવામાં આવી છે કે, યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં હોસ્ટેલોમાં પાણીની કોલેટી ચેક કરવામાં આવે. જ્યાં પાણી આવતું નથી. ત્યાં પણ ચાલુ કરવામાં આવે અને તેમણે ખાતરી આપી છે કે, આવનારા દસ દિવસની અંદર યુનિવર્સિટીની તમામ જગ્યાએ ઠંડુ પાણી વિદ્યાર્થીઓને મળશે તેવી ખાતરી આપી છે. પરંતુ જો એવું નહીં થાય તો આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદને ખૂબ સારી રીતે આવડે છે કે વિદ્યાર્થીઓને કેવી રીતે પાણી અપાવવું.
