‘‘જય ધોરણ લાલકી’’…. ગુજરાતી એકાંકી શિક્ષણ ક્ષેત્રે મૂલ્યોના પતનની વાત કરતું એકાંકી આજે યાદ આવે છે! દિગીશ મહેતાકૃત આ નાટકમાં ખેતરમાં શાળા ખોલીને કમાણી કરવા માંગતા શાળા સંચાલકની વાત છે, જે મૂળમાં શિક્ષણનો વેપાર કરવા માગે છે. શાળા કોલેજોની એકાંકી સ્પર્ધામાં તાળીઓ ઉઘરાવતું નાટક જય ધોરણ લાલકી આજે હકીકત બનીને ઠેર ઠેર ભજવાય છે. સરકારી શિક્ષણમાંથી ખાનગી શિક્ષણ થયા પછી કટાક્ષકથાઓ કરુણ હકીકત બની ગઈ છે. પહેલાં સરકારી શાળા કોલેજોના ઈન્સ્પેક્શનમાં ચાલતા ભ્રષ્ટાચારો અને વાટકી વ્યવહારોની વાત થતી. કટાક્ષ કથાઓ લખાતી, નાટકો ભજવાતાં.
આજે ખાનગીકરણના યુગમાં હકીકતે જ શિક્ષણનાં નાટક ભજવાય છે. એક તરફ આપણે વિદ્યાર્થીઓ માટે કડકમાં કડક નિયમો શિક્ષકો અધ્યાપકો માટે કડક મૂલ્યાંકનો વિચારી રહ્યાં છીએ. બીજી બાજુ શાળા કોલેજોના સંચાલનમાં મૂલ્યો, નિયમો રસાતળ જઈ રહ્યાં છે અને જવાબદારીઓ નક્કી જ નથી થતી. આપણે દસમા-બારમાની પરીક્ષા સી.સી.ટી.વી કેમેરા દ્વારા લેવાય છે. છેક ગાંધીનગરથી મોનેટરીંગ થાય છે. ચોરી કેસમાં વિદ્યાર્થીને વીડિયો રેકોર્ડિંગ બતાવાય છે.
વળી પેપર તપાસવામાં એક શિક્ષક આખું પેપર તપાસવાને બદલે શિક્ષક દીઠ એક પ્રશ્ન તપાસવાનો અને પાંચ પ્રશ્નોવાળું પેપર પાંચ શિક્ષકો તપાસે તથા એક દિવસમાં વધુમાં વધુ પચ્ચીસ-ત્રીસ પેપર તપાસાય તેવી વ્યવસ્થા ગોઠવાય છે. શિક્ષક અધ્યાપકોની હાજરી પણ મોબાઈલ્સ એપથી પૂરાય છે. વિદ્યાર્થી અને શિક્ષક માટે નિયમન અને નિયંત્રણની તમામ વ્યવસ્થા વિચારનારું શિક્ષણ તંત્ર શાળા-કોલેજોનાં સંચાલન, મૂલ્યાંકન, મંજૂરીની પ્રક્રિયામાં ક્યાંક પારદર્શિતા જાળવતું નથી. એમાંય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજો ખોલવી અને ચલાવવી એ તો જાણે નાના છોકરા ઘરઘર રમે એટલું સરળ બનાવી દેવાયું છે. ગુજરાતના પત્રકારો જો ટીમ બનાવીને સંશોધિત પત્રકારત્વનો ઉપયોગ કરે તો તેમને જણાય કે આપણે ત્યાં હવે બી.એડ. કોલેજો ઊગી ગઈ છે.
શાળા કોલેજો શરૂ કરવા માટે કાયદા મુજબની પ્રક્રિયામાં એક વિધિ છે – તપાસ-ઈન્પેક્શનની. મૂળમાં બન્ને ઘટનામાં અંતે ટીમ જાતે પંડે સ્થળ તપાસ કરીને શિક્ષણ સંસ્થાની ભૌતિક સુવિધા તથા શૈક્ષણિક સ્ટાફની ચકાસણી કરે છે. યુનિવર્સિટી કક્ષાએ આને એલ.આઈ.સી. કમિટી કહેવામાં આવે છે. યુનિ. સત્તાવાળા અધિકારી કક્ષાના લોકો અને સિનિયર અધ્યાપકોની એક ટીમ કોલેજની જાત તપાસે મોકલે છે. અત્યારે તમામ યુનિ.માં આવી એલ.આઈ.સી. કમિટી એ રોકડ કમાણીનું સાધન બની ગયું છે. થોડા સમય પહેલાં વોટ્સેપગૃપમાં એક કટાક્ષકથા ફરતી હતી તે લગભગ હકીકત બનીને ગુજરાતના ગામે ગામે ફરી રહી છે.
કોલેજ ખોલવા મંજૂરી માંગી હોય અને એલ.આઈ.સી. કમિટી આવવાની હોય ત્યારે નકલી શિક્ષકો, નકલી વિદ્યાર્થીઓ, નકલી સુવિધાઓ કહો કી બે-ત્રણ દિવસના કોન્ટ્રાક્ટથી રાખેલા ‘‘દાડીયા’’ હાજર કરી દેવાય છે. કમિટીમાં આવનારા પણ જાણતા હોય છે કે આ બધું દેખાડા ‘પૂરતું ઊભું કરેલું છે. પણ આજે જે કમિટીમાં તપાસ કરવા આવ્યા છે આવતીકાલે તેમને ત્યાં જ કોલેજ ખોલવાની છે. નવો કોર્ષ માંગવાનો છે અને એ પણ આવું જ કરવાના છે. ન શિક્ષણસંસ્થાને માન્યતા અપાય ત્યારે ન શિક્ષણસંસ્થા શરૂ થાય પછી બે-ત્રણ વર્ષ!- ક્યારેક ચોક્કસ મૂલ્યાંકન થતું જ નથી. વળી આ બધા જ ધુતારા ફાવ્યા છે કારણ લોભિયા હાજર છે! વિદ્યાર્થીઓને જ ભણ્યા વગર ડીગ્રી સર્ટી. જોઈએ છે. ગુજરાતમાં એક વર્ગ એવો છે, જેને કોલેજ ગયા વગર માત્ર પ્રવેશ ફી ભરીને ભણ્યા વગર પરીક્ષા આપીને પાસ થવું છે.
ઈવન સાયન્સ-એન્જિનિયરીંગમાં પણ તેમને પ્રેક્ટિકલ કર્યા વગર, નિયમિત હાજર રહ્યા વગર ડીગ્રી મેળવી લેવી છે. એટલે માત્ર નોંધણી કરી ફી લઈ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરનારી સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં શિક્ષણ અને ધોરણોની ચિંતા કરનારાએ વિચારવાનો અને સરકારનું ધ્યાન દોરવાનો સમય પાકી ગયો છે. કારણ આવી કાગળ પર ચાલતી સંસ્થાઓ ખરેખર ભણવા માંગતા વિદ્યાર્થીઓ અને ભણાવવા માંગતી સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે! જેમ ધોરણોના પતન માટે જય ધોરણ લાલકી નાટક હતું તેમ શિક્ષણના પતન માટે નાટક હતું ‘‘રીફંડ.’’ તારક મહેતાના આ નાટકમાં વિદ્યાર્થી પોતાની સંસ્થામાં ફી પાછી માંગવા માટે આવે છે. તેનું માનવું છે કે સંસ્થાએ મને શિક્ષણ આપ્યું જ નથી! મને કશું આવડતું જ નથી! તો એણે મને ફી પાછી આપવી જોઈએ! મે કિંમત ચૂકવી પણ મને માલ મળ્યો નથી! શું ગુજરાતમાં હવે કોઈ યુવક આવી ફરિયાદ કરી શકે?