રહીશોની ફરિયાદ બાદ પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી, દુકાન માલિકોને 15 દિવસની મુદત
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા-ઈલોરા પાર્કમાં ખાનગી જગ્યામાં ગેરકાયદે ધમધમતી ત્રણ કરિયાણાની દુકાનો વિરુદ્ધ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક રહીશોની સતત ફરિયાદોના આધારે વોર્ડ નં. 8માં આવેલી અમૂલ એપાર્ટમેન્ટમાં આ દુકાનો પર પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી કરી હતી. પાલિકાને મળેલી રજૂઆતના આધારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પિયુષ ગવલી અને દબાણ શાખાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહી હતી, જ્યારે જી.ઈ.બી.ની ટીમ દ્વારા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
પાલિકાની ટીમ બલ્ડોઝર સાથે કાર્યવાહી કરવા સ્થળ પર પહોંચતા જ દુકાન માલિકોએ પોતાની દુકાનોમાંથી સામાન હટાવવાનું શરૂ કર્યું હતું. આ દુકાનો વર્ષ 2020માં બાંધવામાં આવી હતી, પરંતુ અમૂલ એપાર્ટમેન્ટના કેટલાક રહીશોએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ટોળેટોળા ભેગા થઈ ગયા હતા, પરંતુ ગોરવા પોલીસ સ્ટાફ હાજર હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. પાલિકાની ટીમ અને દુકાન માલિકો વચ્ચે થયેલી ચર્ચા બાદ દુકાનદારોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ મુદતમાં એપાર્ટમેન્ટના રહીશો અને દુકાનદારો વચ્ચે સમાધાન થઈ જાય, તો દુકાનો યથાવત રહેશે. જો સમાધાન ન થાય, તો પાલિકા દ્વારા બુલ્ડોઝર ફેરવીને દુકાનો હટાવવામાં આવશે.
હાલમાં, બંને પક્ષો એપાર્ટમેન્ટના રહીશો અને દુકાનદારો વચ્ચે સમાધાન માટે ચર્ચા ચાલી રહી છે. દુકાનદારોનું કહેવું છે કે તેઓએ ઘણા વર્ષોથી આ સ્થળે વેપાર ચલાવ્યો છે, જ્યારે રહીશો અનધિકૃત દુકાનોને કારણે અસુવિધાનો સામનો કરી રહ્યા છે. જો સમાધાન નહીં થાય, તો આગામી 15 દિવસોમાં પાલિકા વધુ કડક પગલા ભરવાની તૈયારીમાં છે.