Business

સિટી સર્વેની કચેરીએ કચેરીએ કાયદા બદલાય છે


ક્યાંક મહેસુલ સીધું સ્વીકારાય છે તો ક્યાંક ચલણથી જ કેમ ટ્રેઝરીમાં કલાકો સુધી લાઈનમાં ચલણ ભરવા ઊભા રહેતા અરજદારોમાં પણ આક્રોશ

વડોદરા: ગુજરાત સરકારના કમાઉ દીકરા મનાતી કચેરીઓ પૈકીની સીટી સર્વે કચેરીમાં સદંતર લાલીયાવાડી ચાલી રહી હોવાનો અરજદારો બળાપો ઠાલવી રહ્યા છે. કચેરીઓમાં અનેક ટેબલના કર્મચારી સાથે મહેસુલ બાબતે લાંબા સમય સુધી ધરમ ધક્કા ખાધા બાદ કામગીરી થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરા જિલ્લાની જમીન મિલકત શાખા એટલે સિટી સર્વેની કચેરીમાં થોડા સમય પૂર્વે વહેંચાયેલા ચાર ઝોન માં કામગીરી થઈ રહી છે. સિટી સર્વેની હદમાં આવતી મિલકતોમાં વેચાણ દસ્તાવેજની નોંધ પાડવા અરજદારો અરજી કરે તે પૂર્વે જ તલાટી રેકર્ડમાં ચકાસણી કરવામાં આવે છે . જો મહેસુલ બાકી હોય તો અરજીનો સ્વીકાર જ થતો નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ચારે ચાર ઝોનમાં મહેસુલ અલગ અલગ રીતે જ સ્વીકારવામાં આવતું હોવાથી અરજદારોના સમય અને નાણાંનો અનહદ વ્યય થાય છે. ઘણા લાંબા અરસાથી ઉપલા અધિકારીઓના મનઘડત કાયદાથી અરજદારો ત્રાહિમામ પોકારી ગયા છે. કચેરી કચેરીએ તો ઠીક ટેબલે ટેબલે મેન્ટેનન્સ સરવૈયરોની પણ મનમાની ચાલી રહી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેમ કે સિટી સર્વેની કચેરી નંબર એકમાં જાવ તો મિલકતના માલિકી હક તબદીલ કરવાની અરજી કર્યા પૂર્વે તલાટીને મળીને મહેસુલ અંગે પૂછતાછ કરવાની હોય છે. જો મહેસુલ બાકી હોય તો તલાટી લખીને આપે તે મુજબ સિટી સર્વેના મેન્ટેનન્સ સરવૈયર ચલણ બનાવીને આપે. જે ચલણ માંડવી ખાતે આવેલી sbi ની કચેરીના ટ્રેઝરી વિભાગમાં ભરાઈ ગયા બાદ તેની કોપી અરજી સાથે રજુ કરવાની હોય છે. જ્યારે સિટી સર્વે બેની કચેરીમાં 2,000 રૂપિયાથી ઓછું ચલણ હોય તો સીધું ભરાય તેવી કામગીરી ચાલે છે. જેના પગલે અરજદારોને એક જ ધક્કામાં કામ થાય છે.સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સિટી સર્વે ત્રણની કચેરીમાં ગમે તેટલું ચલણ હોય ક્યુઆર કોડ થી તુરંત અરજદારો પાસેથી ભરપાઈ કરાવાતુ હોવાથી ખુશાલી અનુભવે છે. સિટી સર્વે કચેરી એક અને ચારમાં માત્ર ચલણ આધારે જ મહેસુલ સ્વીકારાય છે.અરજદારોમાં કચવાટ એ છે કે મહેસુલ બાબતે આ કચેરીઓના વહીવટમાં આટલો બધો વિરોધાભાસ કેમ? આખા વડોદરામાં સરકારી ચલણ માંડવી ખાતે આવેલી sbi ની મુખ્ય બ્રાન્ચના ટ્રેઝરી વિભાગમાં જ સ્વીકારવામાં આવે છે. જ્યાં એક કે બે જ બારીઓ પર ચલણ સ્વીકારતું હોવાથી અરજદારોને ટોકન લઈને કલાકો સુધી બેસી રહેવું પડે છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં નાણાકીય લેવડદેવડ ગણતરીની પળોમાં થતી હોવા છતાં અરજદારોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. સરકારના અણઘઙ અને મનઘડત કાયદાના ભોગ બનતા નાગરિકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે sbi ની તમામ બ્રાન્ચો ચલણ દ્વારા ભરપાઈ થતાં નાણાં કેમ ના સ્વીકારે? માત્રને માત્ર sbi ની મુખ્ય બ્રાન્ચ જ કેમ સ્વીકારે? રોજના લાખો રૂપિયાના ચલણ સરકારના ખિસ્સામાં જાય છે, છતાં ચલણના નાણા લેવા માટેની બારીઓ વધારાતી કેમ નથી? બારીઓ વધારે તો ચલણ ભરવામાં ઓછામાં ઓછો સમય લાગે તેવું અરજદારોમાં ચર્ચાતુ સાંભળવા મળ્યું હતું. આંગળીના વેઢા ગણાય તેટલા સમયમાં જે સરકારી કામગીરી થવી જોઈએ. તેના બદલે દિવસો સુધી અરજદારો સાથે જે અન્યાય થઈ રહ્યો છે. તેને જોવા સમજવા કે સાંભળવા સરકારી તંત્ર પાસે સમય જ નથી. કોઈપણ કાયદા નાગરિકોની સરળતા માટે જ હોય છે. પરંતુ સરકારી તંત્ર અને અધિકારીઓના ચોક્કસ સંકલનના અભાવે નાગરિકોનો મરો થાય છે. એવું સિટી સર્વેની કચેરીઓમાં અરજદારોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.

Most Popular

To Top