આરતીના સ્થળમાં ફેરબદલ અંગે વારાદારી સેવકોનો વિરોધ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.1
ડાકોર મંદિરમાં ઈતિહાસમાં પ્રથમવાર આરતીનું સ્થળ બદલ્યુ છે. અત્યાર સુધી સિંહાંસન પર ઉભા રહીને આરતી કરવામાં આવતી હતી. જે બદલી અને હવે નવા નિયમો મુજબ આજે પહેલી માર્ચથી સિંહાંસનની ઉપર ઉભા રહેવાની બદલે નીચે ઉભા રહી આરતી કરવામાં આવી છે. જે અંગે વારાદારી સેવકોએ અને અનેક વૈષ્ણવ ભક્તોએ નવા આરતીના નિયમોનો વિરોધ નોંધાવ્યો છે.
આરતી દરમિયાન કોઈ પણ વારદારી સેવકો હવે સિંહાંસન પર ઉભા રહી શકશે નહીં. તે મુજબનું ફરમાન ટેમ્પલ કમિટિ દ્વારા જાહેર કરાયુ છે. ડાકોર મંદિરમાં દિવસ દરમિયાન થતા ભોગના સમયે થતી આરતીમાં આ નિયમો લાગુ પડશે. સિંહાંસન પર ઉભા રહેવાના બદલે સન્મુખ ઉભા રહી આરતી કરવાની રહેશે. વર્ષોથી સિંહાંસન પર ઉભા રહી આરતી કરવાની ચાલી આવેલી પ્રથામાં એકાએક ફેરફાર કરતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે.
22 નવેમ્બર, 2024ના રોજ મંગળા આરતી સમયે પ્રબોધન વારદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી, જેને લઈને ડાકોર ટેમ્પલ કમિટિની 10 ડિસેમ્બર, 2024ના રોજ મળેલી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો આજે 1 માર્ચ, 2025ના રોજથી અમલ કરવામાં આવ્યો છે.
ભક્તજનો અને વૈષ્ણવોનું માનવુ છે કે, જો વારદારી સેવકો ભગવાનની સન્મુખ ઉભા રહી આરતી કરશે, તો ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલીઓ ઉભી થશે.
નવા નિયમોના વિરોધમાં એક વારદારી સેવકે જણાવ્યુ હતુ કે, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ન થાય, કોઈ ટંટો પિશાદ ન થાય, તે બાબતનું ધ્યાન રાખી, ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટાભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે. મારી ખાસ વિનંતી ચેરમેન સાહેબને છે કે, અમારી અને વૈષ્ણવોની લાગણી ધ્યાને રાખે, અમારી બે હાથ જોડીને વિનંતી છે, આ બાબતમાં ફેરવિચારણા કરી, અમારી, સેવકોની અને વૈષ્ણવોનું હિત જાળવવી રણછોડજીની સેવા થાય તેમાં અમારો પૂરેપૂરો સહકાર છે. પરંતુ અમારા વર્ષોથી આ ચાલતા આવતા પ્રથા-પરંપરા અને રીતિ-રીવાજો મુજબના જે હક્કો પર તેની પર તરાપ ન મારવામાં આવે.