કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું, અન્યને સારવાર માટે ખસેડ્યો હતો
વડોદરા તારીખ 28
સમા સાવલી રોડ પર શુક્રવારે મોડી સાંજે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવકો પૈકી એક યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અન્યને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરાર કારચાલકની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વડોદરા શહેરના સમા સાવલી રોડ પર 28 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાના કારણે એકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માત બાબતે સમા પોલીસને જાણ થતા પી.આઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી તેમના પરિવારના સભ્યોને જાણ કરી હતી. ત્યારે અકસ્માત કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયેલા કાર ચાલક દિપક સોમાભાઈ મકવાણાની સમા પોલીસે ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર ચાલક નશો કરેલી હાલતમાં કાર ચલાવતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
