Vadodara

આંગણવાડીઓની દુર્દશા : ભાડાના મકાન, તંત્રની અવગણના અને શિક્ષણ માટેનો સંઘર્ષ

વડોદરાના ભૂલકાઓ માટે શૈક્ષણિક અવ્યવસ્થા

શહેરની 200થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં, ભણતર માટે પૂરતી સુવિધાઓના અભાવે નાનાં ભૂલકાઓના વિકાસ પર પડતો પ્રભાવ

વડોદરા શહેરને “સંસ્કારી નગરી”, “કલા નગરી” જેવા અનેક બિરુદો મળ્યાં છે. પરંતુ આ શહેરના નાના ભૂલકાઓ માટે યોગ્ય શૈક્ષણિક માળખાં ન હોય તેવું લાગી રહ્યું છે. 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો માટે જે પ્રાથમિક શિક્ષણ જરૂરી છે, તે માટે કોર્પોરેશન પાસે કોઈ મજબૂત યોજના જ નથી. કારણ કે શહેરની આંગણવાડીઓના હાલના હાલત પર નજર કરીએ તો એ ખરા અર્થમાં વિચારવા લાયક છે. વડોદરા શહેરમાં કુલ 439 આંગણવાડીઓ છે. જો કે, 200 થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચલાવવી પડી રહી છે, કારણ કે તેમની પાસે પોતાનું માળખું નથી. તંત્ર દ્વારા જણાવ્યું છે કે 100 આંગણવાડીઓને “સ્માર્ટ આંગણવાડી” તરીકે વિકસાવવામાં આવી છે. પણ એ ગૌરવની સાથે એક સવાલ પણ છે કે 200 થી વધુ ભાડાની આંગણવાડીઓ માટે કોઈ આયોજન કેમ કરવામાં આવ્યું નથી? આ સ્થિતિ માત્ર શૈક્ષણિક સમસ્યા જ નથી, તે બાળકના વિકાસ પર પણ અસર કરે છે.

આંગણવાડીમાં કામ કરતી બહેનોના મતે, ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે. ઘણા સમય સુધી ભાડું મળતું નથી, જેને કારણે પોતાને ખાનગી રીતે વ્યવસ્થા કરવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં બે-બે મહિના સુધી પણ કોર્પોરેશન દ્વારા ભાડું ચુકવવામાં વિલંબ થાય છે, અને આવા સમયે મકનાના ભાડા કામ કરતી બહેનોએ આપવા પડે છે. ઘણા કિસ્સાઓમાં કેટલાક મકાનમાલિકો આંગણવાડીના મકાન ખાલી કરાવી દે તો નવી જગ્યા શોધવી પણ મુશ્કેલ બની જાય છે. અને નવી જગ્યા શોધવાની જવાબદારી પણ બહેનોને જ સોંપવામાં આવે છે. તેમાં પણ કોર્પોરેશન કોઈ સહાય કરતું નથી. ખાસ કરીને જ્યારે નવા મકાન માટે ડિપોઝિટ આપવાની હોય ત્યારે પણ તંત્ર કોઈ સહાય કરતા નથી, અને આંગણવાડીમાં કામ કરતી બહેનોને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડે છે.

કેટલીક આંગણવાડીઓ અગાઉ કન્ટેનરમાં ચલાવવામાં આવી રહી હતી. હજુ પણ કેટલાક વિસ્તારોમાં આંગણવાડીઓ અમાનવીય હાલતમાં ચાલી રહી છે, જેનાથી બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેને નુકસાન થાય છે. આંગણવાડી બાળકના ભણતરનો પાયો ગણાય છે. જો તે જ તંત્રની અવગણનાનો ભોગ બને, તો શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ શું થશે? વડોદરામાં પ્રિ-સ્કૂલોમાં મોંઘી ફી અને ઓછી સગવડો હોવાથી, સામાન્ય વર્ગના માતા-પિતા માટે બાળકોને ભણાવવું મુશ્કેલ બન્યું છે. જો આંગણવાડીઓ યોગ્ય માળખું અને સુવિધાઓ સાથે ઉપલબ્ધ હોય, તો સામાન્ય વર્ગના બાળકો માટે ભણતર સરળ બની શકે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા મુજબ, આંગણવાડી માટે જમીન નથી, એટલે ભાડાની મકાનમાં તેને ચલાવવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં જ કોર્પોરેશનના બજેટમાં દરેક વોર્ડના ખાલી પ્લોટ પર પાર્કિંગ સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય એ દશા તરફ ઈશારો કરે છે કે, કોર્પોરેશન માટે બાળકોના ભવિષ્ય કરતા વાહન પાર્કિંગ વધુ મહત્વનું બની ગયું છે. જ્યારે દરેક વોર્ડમાં પ્લોટ હોય છે, ત્યારે શાળા કે આંગણવાડી માટે તેનો ઉપયોગ કેમ થતો નથી?

તાજેતરમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભા દરમિયાન સત્તાપક્ષના કોર્પોરેટર રશ્મિ વાઘેલા અને ઉમંગ બ્રહ્મભટ્ટે આંગણવાડીઓની હાલત પર રજૂઆત કરી હતી. જેમાં રશ્મિ વાઘેલાએ જણાવ્યું કે, મારા વિસ્તારમાં શાળા અને આરોગ્ય કેન્દ્રોની તાતી જરૂર છે. ગત વર્ષે 101 સ્માર્ટ આંગણવાડી બની, છતાં પણ આંકડો ઓછો છે. આંગણવાડીઓમાં આવતા બાળકોને અઠવાડિયામાં બે વખત ફળ આપવામાં આવવું જોઈએ. પ્રિ-સ્કૂલ ફી વધતા સામાન્ય વર્ગ માટે ભણતર મુશ્કેલ બન્યું છે. ઉમંગ બ્રહ્મભટ્ટે ઉલ્લેખ કર્યો કે, ગયત્રીપુરા અને જલારામ નગરમાં આંગણવાડીઓ કન્ટેનરમાં ચાલી રહી છે, જે યોગ્ય નથી. ગોત્રી અને ભાયલી વિસ્તારમાં પતરાંવાળી શાળાઓ છે, જેમાં ઉનાળામાં બાળકોને ભારે તકલીફ પડે છે. આ સમસ્યાઓ તાકીદે હલ થવી જોઈએ.

Most Popular

To Top