રહીશોએ ભેગા થઇ ગેરકાયદેસર રીતે દબાણ કર્તા તથા ભાડા કરાર વિના દુકાન અપાતા રજૂઆત કરી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વિમલનાથ કોમ્પલેક્ષના રહીશો તથા દુકાન ધારકો દ્વારા દુકાનના માલિક સામે ગેરકાયદેસર રીતે દબાણો કરી વગર ભાડાકરારે દુકાન ભાડે આપી હોવાની રજૂઆત કરતા ગોરવા પોલીસે દુકાન માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વિમલનાથ કોમ્પલેક્ષના રહીશો તથા દુકાન ધારકો દ્વારા આ કોમ્લેક્ષમા દુકાન નં.30,34 અને દુકાન નં.43ના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી તેમજ ભાડા કરાર વિના જ દુકાનો ભાડેથી આપેલી હોવાની ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી સાથે રજૂઆત કરતા ગોરવા પોલીસે વિમલનાથ કોમ્પલેક્ષ ખાતે ચેક કરતાં દુકાન નંબર 43મા ગુફરાનખાન કમલાખાન પઠાણ (રહે.શુક્લાનગર, અભિલાષા ચારરસ્તા સમારોડ) ભાડેથી દુકાન ચલાવતો હોય તેની પાસે ભાડા કરાર ની માંગણી કરતાં કરાવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી દુકાન માલિક કેતનકુમાર ગોરધનભાઇ ગાંધી (રહે.એ-202,બરોડા સ્કાઇ આદર્શ ડુપ્લેક્ષ,ગોરવા ને ભાડા કરાર વિશે પુછપરછ કરતા તેઓએ ભાડા કરાર વિના જ દુકાન ભાડે આપી હોય ગોરવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા સને -2023(બી.એન.એસ) 223મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં મકાન અને દુકાન માલિકો દ્વારા પોતાના મકાન, દુકાનો વગર ભાડા કરાર ભાડેથી આપવામાં આવી રહ્યાં છે ત્યાં સુધી કે એલ આઇ જી,એમ આઇ જી તથા વુડાના આવાસોમાં પણ લોકો નિયમો બાજુએ મૂકી પોતાના મકાનો ભાડા કરાર વિના જ ભાડેથી આપી રહ્યા છે જેના કારણે પણ ગુનાખોરીનું પ્રમાણ શહેરમાં વધ્યું છે કારણ કે પરપ્રાંતિય અથવા તો ગુનાઇત ઇતિહાસ ધરાવતા લોકો થોડોક રૂપિયા આપીને વગર ભાડા કરાર રહી પોતાના કામને અંજામ આપી રહ્યા છે.