(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના ત્રણ વિવિધ વિસ્તારો જેમાં સમા વિસ્તારમાં આવેલા જીઆઇપીસીએલ સર્કલ થી સંજયનગર વચ્ચે બે અજાણ્યા બાઇક સવાર ઇસમો દ્વારા મહિલાના પર્સની ચીલઝડપ , ખોડિયારનગર વિસ્તારમાં બે અજાણ્યા બાઇક સવાર ઇસમો દ્વારા મહિલાના આશરે રૂ.17,000ના મુદામાલ સાથેના પર્સની તફડંચી, જ્યારે શહેરના વાઘોડિયા બ્રિજ પાસેના સર્વિસ રોડ પર મહિલાના આશરે રૂ.16,000નામુદામાલ તથા ડોક્યુમેન્ટ ની ચીલઝડપ અંગેની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
રાત્રિ બજારમાં દુકાન પરથી પુત્ર સાથે ઘરે જતી મહિલાના પર્સની બે અજાણ્યા બાઇક ચાલકો દ્વારા ચીલઝડપ
શહેરના સમા વિસ્તારમાં આવેલા સંજય નગર નજીકના નહેરુનગરમા નિર્મલા ટીકારામ સોની પોતાના પરિવાર સાથે રહે છે તેઓની કારેલીબાગ ખાતેના રાત્રી બજારમાં વિજય ચાઇનીઝ નામની ખાણીપીણીનો વ્યવસાય છે.ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે આશરે દોઢેક વાગ્યાના સુમારે કામ પતાવીને પોતાના પુત્ર સાથે એક્ટિવા પર બેસીને ઘરે જતા હતા તે દરમિયાન જીઆઇપીસીએલ સર્કલથી સંજય નગર તરફ એક બાઇક પર અજાણ્યા બે ઇસમો આવી ચીલ ઝડપે નિર્મલા બેનનું ખભા પર રહેલું પર્સ ખેંચીને સંજય નગર તરફ ભાગ્યા હતા જેથી નિર્મલાબેને બુમરાણ મચાવી તેઓનો પીછો કર્યો હતો પરંતુ બાઇક સવારો સમા તળાવ તરફ ભાગી ગયા હતાં.પર્સમા વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 10,000તથા રોકડ રકમ રૂ 1,000મળી આશરે કુલ રૂ 11,000ની માલમતાની તફડંચી કરી નાસી ગયા હતા.સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સામાજિક પ્રસંગમાંથી રાત્રે ઘરે જતી મહિલાના પર્સની બે બાઇક સવાર ઇસમો દ્વારા ચોરી
શહેરના આજવારોડ ખાતે આવેલા અમરદીપ લેન્ડમાર્ક ખાતે મકાન નં.બી-202મા શશીબેન સુધીરકુમાર દુગડ પોતાના પરિવાર સાથે રહે છે તેઓ ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ સમા વિસ્તારમાં આવેલા નિલેરિયા પાર્ટી પ્લોટ ખાતે તેઓ પતિ સાથે સમાજના એક ફંક્શનમા ગયા હતા જ્યાંથી રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે તેઓ પરત ઘરે જતા હતા તે દરમિયાન ખોડિયારનગર ખાતે અવધ સિટી ચારરસ્તા થી આગળ મહાકાળી વુડાના મકાન પાસે એક બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ જેમાં બાઇક પાછળ બેઠેલા ઇસમે શશીબેનનુ પર્સ ઝૂંટવી હાઇવે તરફ ભાગી ગયા હતા.પર્સમા સેમસંગ ઊએ-14મોડેલનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 7,000, તથા રૂ.10,000ના અલગ અલગ દરની ચલણી નોટો, ઘરની ચાવી, તથા ચશ્મા મળી કુલ 17,000ના માલમતા લઈ ભાગી ગયા હતા જે અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રસંગ પતાવી ઘરે જતી મહિલાના વાઘોડિયા બ્રિજ પાસે સર્વિસ રોડ પર બે બાઇક સવાર ઇસમો દ્વારા પર્સની ચીલઝડપ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રતનપુર ગામ પાસે અક્ષર સિટી માં મકાન નંબર 519મા જયશ્રીબેન પરાગભાઇ વણકર પોતાના બે બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે તેઓ ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ પોતાના પિતા સાથે શહેરના આજવારોડ સ્થિત કૈલાસ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાંથી રાત્રે આશરે સવા અગિયાર વાગ્યે તેમના પિતા એક્ટિવા ચલાવતા હતા અને જયશ્રીબેન પાછળ બેઠા હતા તે દરમિયાન નેશનલ હાઇવે નં.48વાઘોડિયા બ્રિજ સર્વિસ રોડ હનુમાનજી મંદિર પાસે એક મોટરસાયકલ પર સવાર બે અજાણ્યા ઇસમોએ પાછળથી આવી જયશ્રીબેનના પર્સની ચીલઝડપ કરી ભાગી ગયા હતા.પર્સમા વીવો યુ -18મોડેલનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 5,000,એક ચાંદીની કંદોરી જેની અંદાજે કિંમત રૂ 10,000, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડા નું એટીએમ કાર્ડ, રોકડા રૂ 1,000 કુલ રૂ 16,000ના મતાની ચીલઝડપ કરી ભાગી ગયા હતા જે અંગેની કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
