વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ દેણા ગામ નજીક 250 મિલિયન લિટર પાણી સંગ્રહ માટે તળાવનું નિર્માણ

અર્બન ડેવલોપમેન્ટ મિનિસ્ટર તોખન સાહુએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટર (X) પર એક પોસ્ટ શેર કરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહેલા કામની પ્રશંસા કરી હતી. તોખન સાહુએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરના જોખમો સામે સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સૂર્યા નદી કિનારે 250 મિલિયન લિટર પાણી સંગ્રહિત કરવા માટે તળાવનું નિર્માણ એક લાંબા ગાળાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.”
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ચોમાસામાં ભારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી કરતી હોય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ લાવવા માટે દેણા ગામ નજીક બફર તળાવનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વામિત્રી નદીમાં પૂરના જોખમને નિયંત્રિત કરવા 250 મિલિયન લિટર પાણી સંગ્રહ કરી શકતું તળાવ બનાવાશે. આ પ્રોજેક્ટ માટે વિવિધ કંપનીઓના CSR ફંડનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કોર્પોરેશન પર નાણાકીય ભાર ન આવે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીઓ પાસેથી CSR ફંડ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. વડોદરા શહેર માટે આ પ્રોજેક્ટ એક માઈલસ્ટોન સાબિત થશે તેવું સત્તાવાળાઓનું માનવું છે, સાથે જ આગામી વર્ષોમાં શહેરને પૂરના જોખમથી બચાવશે અને વધુ સુરક્ષિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરશે તેવું પણ તેમનું માનવું છે.