તરસાલી વડદલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ :
નવી નાખવામાં આવી રહેલી લાઈનોમાં ભંગાણ પડતા તંત્રની પોલ ઉઘાડી પડી :



( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે.તરસાલી વડદલા રોડ પર નવી પાણીની ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી રહી છે. અગાઉ આજ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યા બાદ ફરી એકવાર બાલાજી રેસિડેન્સી પાસે પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

સ્માર્ટ સિટી વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર ફરી એક વખત વામણુ સાબિત થયું છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો હતો. થોડા દિવસો પૂર્વે જે જગ્યા પર પાણીની રેલમછેલ થઈ હતી. તેજ રોડ પર ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગે બાલાજી રેસિડેન્સી પાસે નવી પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી રહી છે. ત્યારે નવીજ નાખવામાં આવેલી પાણીની લાઈનમાં લીકેજ થતા રોડ પર પીવાનું ચોખ્ખુ પાણી વહી ગયું હતું. જ્યારે આસપાસની ખુલ્લી ગૌચરની જમીનમાં પણ પાણી ફરી વળ્યાં હતા. એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં તાતી જરૂરિયાત પાણીની માંગ ઉઠશે. ત્યારે આવા પાણીની લાઈનોમાં લીકેજ થવાના કારણે અપૂરતા પ્રેશરથી લોકોને પાણી મળવાની ફરિયાદ પણ ઉઠવા માંડી છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, પાલિકા તંત્ર દ્વારા શહેરમાં નવી પાણીની અને ડ્રેનેજોની લાઈનો નાખવામાં આવી રહી છે. ત્યારે આજ નવી પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે. જેથી હલકી ગુણવત્તાવાળી પાઈપ લાઈનો નાખવામાં આવી રહી હોવાનું ફલિત થવા પામ્યું છે. બીજી તરફ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો પણ પાણીથી ભરાઈ રહેતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ છે.