પેટલાદની ફાયનાન્સ કંપનીના લોન કૌભાંડમાં ૬ ની ધરપકડ
જિલ્લાના 211 મહિલાની જાણ બહાર તેમના નામે ફાયનાન્સ કંપનીમાં લોન લેવાઇ ગઈ
બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યા બાદ કર્મચારીઓએ ભેગા મળી લોન એપ્રુવ્ડ કરવામાં 2 દિવસના રિમાન્ડ
(પ્રતિનિધિ) પેટલાદ તા.17
આણંદના પેટલાદ ખાતે આવેલી ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મચારીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટના આધારે 211 જેટલા બેંક એકાઉન્ટ ખોલી નાંખ્યાં હતાં અને આ તમામમાં 84 લાખની લોન પણ આપી દીધી હતી. આ ભાંડો ફુટતાં કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી એલસીબીએ તમામની ધરપકડ કરી છે. જ્યારે સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું ? તે અંગે પુછપરછ માટે 2 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. જોકે, પ્રાથમિક તપાસમાં ભાવેશ સરકારી કચેરીના પ્રિન્ટર રિફીલીંગનું કામ કરતો હતો અને તેણે આ દરમિયાન અરજદારોના ડોક્યુમેન્ટ ચોર્યા હોવાની શંકા પોલીસને ઉઠી છે. અલબત્ત, પોલીસના રિમાન્ડ દરમિયાન વિગતો બહાર આવશે.
પેટલાદના ગંગા મૈયા પાર્કની સામે નટુભાઈ મિસ્ત્રીના મકાનમાં એનએબીએફઆઈએનએસ લી. નામની નોન બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીની શાખા આવેલી છે. આ શાખામાં કોમ્પ્યુટરના માધ્યમથી પાસબુક મોડીફાઇ કરી એક બે નહીં પરંતુ કુલ 211 ખાતામાં 84 લાખની લોન ઉધારવામાં આવી હતી. આ અંગે બેન્કે તપાસ કરતાં અપલોડ કેવાયસી ડોક્યુમેન્ટ આધારે તથા પેનીડ્રોપ ફેસીલીટીઝ આધારે તપાસ કરતા અમુક ડેટા ઉપલબ્ધ થયાં નથી. જેમાં રેકર્ડ નોટ એવેલેબલ ઇન બેન્ક ઉપરની વિગતે જણાયું હતું. આમ, બેંકના જ કર્મચારીઓ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલાં હતાં.
આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે પરેશ શના ઠાકોર (રહે. બાકરોલ), રૂબિના અકિલ મન્સુરી (રહે. જૈનબ ટાઉનશીપ, આણંદ), ભાવેશ બુધા પરમાર (રહે. કંકાપુરા, તા. બોરસદ), મોઇન અનવર મલેક (રહે. રાલજ, ખંભાત), વિકાસ કનુ ઠાકોર (રહે. બાલુપુરા, આણંદ) અને વિષ્ણુ રામભાઈ પ્રજાપતિ (રહે. કરોલી, તા. વસો) સામે ગુનો નોંધ્યો હતો. આ તમામની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને વધુ પુછપરછ માટે 19મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.
ફાયનાન્સ કંપની શું કામગીરી કરે છે ?
આ ફાયનાન્સ કંપની સમાજના વંચિત વર્ગોને નાણાકિય સેવાઓ પુરી પાડવાનું કામ કરે છે. ફાયનાન્સ કંપનીમાં લોન લેવા માટે કર્મચારી ફિલ્ડમાં જાય છે અને મહિલાઓનુ ઓછામાં ઓછું ચાર મહિલાનું ગ્રુપ બનાવે છે. લોન લેવાની શરતોની જાણકારી બતાવે છે. બાદમાં લોન લેવા માટે એલીજીબીલ છે કે નહીં તેની તપાસ કર્યા બાદ એલીજીબલ હોય કેવાયસી સિસ્ટમમાં એન્ટ્રી કરે છે. બ્રાંચ મેનેજર ગ્રુપને ફીઝીકલી વેરીફાઇ કરે છે અને દસ્તાવેજ સાથે બોલાવે છે. બ્રાંચ મેનેજર વેરીફાઇ કરી લોન મંજુર કરે છે. ઓરીજીનલ પાસબુક લાવે છે અને ઝેરોક્ષ સાથે મેચ કરે છે. હેડ ઓફિસ ખાતે મોકલી લોન ફાયનલ કરવામાં આવે છે.
લોન કૌભાંડમાં કોણે શું ભૂમિકા ભજવી હતી ?
- ભાવેશ પરમાર (આસીસ્ટન્ટ મેનેજર) ઃ ખોટી ફાઇલ એપ્રુવ કરી.
– મોઇન મલેક (કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટીવ) ઃ ખોટા ડોક્યુમેન્ટ વેરીફાઇ કર્યા સિવાય અપલોડ કર્યાં.
– વિકાસ ઠાકોર (કસ્ટમર સર્વિસ ઓફિસર) ઃ બેંકની ખાતા બુકમાં ખોટી રીતે એડીટીંગ કરી ગ્રાહક સોર્સીંગ કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યાં.
– વિષ્ણુ રામભાઈ પ્રજાપતિ (કસ્ટમર સર્વિસ ઓફિસર) ઃ ખોટા ડોક્યુમેન્ટ મંગાવી લોન મંજુર કરાવી.
– રૂબીનાબહેન મન્સુરી : ડોક્યુમેન્ટ લાવી આપનાર.
– પરેશ ઠાકોર : ડોક્યુમેન્ટ લાવી આપનાર.