વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઓવરબ્રિજ પર રિસર્ફેસિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની એક તરફનો રસ્તો બંધ કરાતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે.

બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી ચાલુ હોય ઓઇલ ટપકતા અનેક વાહનો સ્લીપ થયા બાદ પણ કોન્ટ્રાકટર દ્વારા નીચે ઓઇલ પર રેતી કે માટી નાખવામાં ના આવતા અકસ્માતનો ભય જોવા મળ્યો હતો.
ફતેગંજ બ્રિજ પર રિસર્ફેસિંગ નું કામ ચાલી રહ્યું છે. બ્રિજની નીચે વાહન ચાલકોનો ધસારો હોવાથી અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા. ત્યારે રીપેરીંગ કામ બ્રિજ ઉપર ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારીના કારણે બ્રિજ પરથી ઓઇલ ટપકતા નીચેના રોડ પર પડ્યું હતું. જેના કારણે અનેક દ્વિચક્રી વાહન સ્લીપ થઈ ગયા હતા. અહીં કામ કરતા કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઊભા થયા છે. આમ તો 25 વર્ષ પછી બ્રિજ પર રિસર્ફેસિંગ નું કામ થવું જોઈએ, ત્યારે કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજને 8 થી 10 વર્ષમાં જ રિસર્ફેસિંગ કરવાની નોબત આવે છે. હલકી ગુણવત્તાનું આ એક પ્રતીક છે. કામગીરી હાથ ધરાઈ હોય ત્યારે ઓઇલ ઉપરથી નીચે સર્વિસ રોડ ઉપર ટપકતું હોય અને ખાબોચિયા ભરાઈ જતા હોય તેવામાં કોઈ વાહનનો અકસ્માત થાય કે મોટી દુર્ઘટના થાય તેનો જવાબદાર કોણ? આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ સામાજિક કાર્યકરોએ કરી હતી. મહત્વની વાત એ છે કામ ચાલુ હોય ત્યારે કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર કે પાલિકાનો કોઈ અધિકારી જગ્યા પર કામગીરી કેવી ચાલે છે તે બાબતે પણ ઉપસ્થિત ન હોય અને સવાલો લોકો ઉઠાવ્યા છે.