મરણ પામેલા પિતાનું ખોટુ વિલ બનાવી બિહારીલાલ પટેલ સહિત ત્રિપુટીએ જમીન પચાવી પાડી
આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોય કોર્ઇ કાર્યવાહી નહી કરાતી હોવાનો યાકુબ ખોખરનો આક્ષેપ
પ્રતિનિધિ વડોદરા તા.15
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ખેડૂતની વડીલો પાર્જિત જમીન બિહારીલાલ પટેલ સહિતની ત્રિપુટીએ તેમના પિતાનું બોગસ વીલ બનાવીને પચાવી પાડી હતી. ખેડૂતપુત્રે ન્યાય માટે વારંવાર કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરાવતા આખરે કોર્ટ દ્વારા ઠગાઇના ગુનામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સાથે જે પી રોડ પોલીસ સ્ટેશનના પીઆઇને તપાસ પૂર્ણ કરી 60 દિવસમાં રિપોર્ટ તથા ચાર્જશીટ કરવાનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના તાંદલજા ગામમાં લીમડી ફળિયામાં રહેતા યાકુબ મોહમદ ખોખરની વડીલો પાર્જિત જમીન આવેલી છે. તેમના પિતા મહંમદભાઇ ખોખર અવસાન પામ્યા છે પરંતુ તેઓ પિતાની જમીનના વારસદાર છે. ત્યારે આરોપી બિહારીલાલ પટેલ, મુમુતાઝ મોહંમદઅલી કાચવાલા અને દિનેશચંદ્ર શંકરલાલ અંતાણીએ તેમના પિતાનો ખોટો મરણ દાખલો બનાવ્યો હતો. જેના આધારે ખોટુ વીલ તૈયાર કરાવીને ત્રિપુટીએ પોતાના નામ ખોટી રીતે ચડાવીને જમીન પચાવી પાડી હતી. યાકુબભાઇ ખોખર દ્વારા ત્રિપુટી વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. જેથી તેઓએ કોર્ટમાં વર્ષ 2005મા ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ તેમની ફરિયાદ કોર્ટ દ્વારા કાઢી નાખવાનો હુકમ કરવા છતાં તેઓ હાર માન્યા ન હતા અને તેઓએ ફરી સેશન્સ તથા હાઇકોર્ટમાં વખતોવખત રિવિઝન અરજી કરી હતી. સ્થાનિક કક્ષાએ તપાસની ખામી તથા બિલ્ડરો રાજકીય અને શાસકીય વગ ધરાવતા હોવાના કારણે આખરે ન્યાયથી વંચિત ખેડૂતપુત્રે વડોદરાના 9મા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એન પી રાડિયાની કોર્ટમાં વર્ષ 2020 અરજી દાખલ કરાવી રજૂઆત કરી હતી. ત્યારે આરોપીઓ દ્વારા ગુનો આચર્યો હોય તેમની સામે કોર્ટ દ્વારા જે પી રોડ પોલીસ સ્ટેશનના પીઆઇને તપાસ કરીને 60 દિવસમાં રિપોર્ટ તથા ચાર્જશીટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
– ઉંડાણપૂર્વક તપાસ થાય મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે
યાકુબભાઇ ખોખરે જણાવ્યું હતું કે મારી વડીલો પાર્જિત જમીન બિહારીલાલ પટેલ, મુમતાઝ કાચવાલા તથા દિનેશચંદ્ર અંતાણી ગેરકાયદે પચાવી પાડી છે. બિહારલાલ સહિતના આરોપીના પાવરએટર્નીનો ખોટા વિલમાં ઉપયોગ કરીને જમીન પર બંગ્લા બનાવ્યા હતા અને સબિતા રાજન અને વર્ષાબેન નાયર સહિતના અન્ય લોકોને દસ્તાવેજ કરી વેચી નાખ્યા હતા. ત્યારે તેઓએ આવી ઘણી જમીનના ગેરકાયદે દસ્તાવેજ કરીને પચાવી પાડીને તેના પર બંગ્લા બાંધી દેવામાં આવ્યાં છે અને ખોટુ વિલ હોવા છતાં વેચાણ કરી દીધા હતા. જેથી ઉંડાણપૂર્વક તપાસ થાય તો ઘણુ મોડુ બહાર કૌભાંડ આવે તેમ છે.
– જે વીલ બનાવ્યું છે સાચુ છે, યાકુબ ખોખર અમને હેરાન કરવા વારંવાર અરજી કરે છે
બિહારીલાલ પુત્ર અને કબીરફાર્મના માલિક સુભાષભાઇ ભગતે જણાવ્યું હતું કે યાકુબભાઇ ખોખરના પિતા મહંમદભાઇના મરણ દાખલાના આધારે જે વીલ બનાવ્યું છે તે તદ્દન સાચુ છે. પરંતુ યાકુબભાઇ ખોટી રીતના કોર્ટમા ફરિયાદ કરી હેરાન કર્યા કરે છે.ત્રણથી ચાર વાર કોર્ટે પણ તેની અરજી કાઢી નાખી હતી. તલાટીએ જવાબ આપ્યો હતો કે યાકુબભાઇ તેમની હાજરીમાં સહી કરવા માટે આવ્યા હતા.