Vadodara

વડોદરા: ઉત્તર ઝોનમાં પેવિંગ કામના ટેન્ડર પર વિવાદ: એક જ શહેર, એક જ કામ, પણ અલગ-અલગ દર કેમ?


અલગ-અલગ ઝોનમાં એક જ કામના ભિન્ન દર, રાજકીય દખલગીરીના આક્ષેપો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકથી પેવિંગ કરવાનું કામ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને અલગ-અલગ દરે સોંપવામાં આવ્યું છે, જેની ચર્ચા હાલમાં તીવ્ર બની છે. પૂર્વ ઝોનમાં આ કામ શ્રીજી ડેવલોપર્સને 22.86% ઓછા ભાવથી, પશ્ચિમ ઝોનમાં બિંજલ જે ગાંધીને 23.40% ઓછા ભાવથી, ઉત્તર ઝોનમાં મારુતિ એન્ટરપ્રાઇઝને 22.86% ઓછા ભાવથી અને દક્ષિણ ઝોનમાં કૌશલ દેવીદાસ હરપલાનીને 16% ઓછા ભાવથી સોંપવામાં આવ્યું હતું. તેમ છતાં, ઉત્તર ઝોનમાં આ જ કામ હવે 18.88% ઓછા ભાવ સાથે ટેન્ડર ફાળવવા માટે કેટલાક કોર્પોરેટરો રાજકીય દબાણ બનાવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ અગાઉ ઉત્તર ઝોનમાં મારુતિ એન્ટરપ્રાઇઝને 22.86% ઓછા ભાવ સાથે કામ ફાળવાયું હતું, પરંતુ હવે આ જ કામ માટે 18.88% ઓછા દર સાથે ટેન્ડર ફાળવવા માટે દબાણ બનતું હોવાનો આક્ષેપ છે. રાજકીય પ્રભાવશાળી કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ટેન્ડર પ્રક્રિયામાં રાજકીય દખલગીરી થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે. જો એક જ પ્રકારના કામ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ દરો અપાઈ રહ્યા હોય, તો તે શંકાસ્પદ બાબત છે.

પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટે થઈને કેટલાક નેતાઓ હવે આ કામમાં દખલગીરી કરી રહ્યા છે.
શહેરના ચાર અલગ-અલગ ઝોનમાં પેવિંગના કામ માટે અલગ-અલગ દર અપાઈ રહ્યા છે, જેનાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ચર્ચાઓ મુજબ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટે થઈને કેટલાક નેતાઓ હવે આ કામમાં દખલગીરી કરી રહ્યા છે. વિશ્લેષકોના મતે, તમામ કામની બેસપ્રાઇસ એક હોવા છતાં વિભિન્ન ઝોનમાં દરો અલગ કેમ છે, તે મહત્વનો મુદ્દો છે.

Most Popular

To Top