Vadodara

દૂષિત પાણી વિવાદમાં સસ્પેન્ડ થયેલા અલ્પેશ મજુમદારને વિશ્વામિત્રી પ્રોજેક્ટની જવાબદારી

પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છ માસ સુધી દૂષિત પાણી પીવડાવ્યું હતું
વિવાદિત અધિકારીને મહત્વનો પ્રોજેક્ટ સોંપતા શહેરીજનોમાં અસંતોષ

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા વર્ષો દરમિયાન પાણીની ગુણવત્તા પર અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ખાસ કરીને 6 માસ સુધી શહેરજનોને દૂષિત પાણી પીવડાવવામાં આવ્યું હતું, જેનાથી તત્કાલિન પાણી પુરવઠા વિભાગના બે કાર્યપાલક ઇજનેરો અને બે કર્મચારીઓ સસ્પેન્ડ થયા હતા. આ મામલે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કાર્યવાહી કરતા અલ્પેશ મજુમદાર અને રાજેશ ચૌહાણને જવાબદાર ઠેરવીને સસ્પેન્ડ કર્યા હતા.

વડોદરાના નિમેટા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સફાઈના અભાવે પાણી દૂષિત થવા લાગ્યું હતું. આ પ્લાન્ટમાં પરંપરાગત ફટકડીના બદલે કેમિકલ દ્વારા પાણી શુદ્ધ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના પરિણામે અંદાજિત 1 કરોડ રૂપિયાનું કેમિકલ પણ ખરીદવામાં આવ્યું હતું. પરંતુ જે તે સમયની ચર્ચાઓ મુજબ આ કેમિકલના ઉપયોગને લીધે પાણીની ગુણવત્તા વધુ ખરાબ થઈ હતી, અને શહેરમાં આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો. કોન્ટ્રાકટર પણ આ વિવાદમાં ફસાયો હતો અને તેને પણ બ્લેકલિસ્ટ કરાયો હતો, પરંતુ કોન્ટ્રાકટર કોર્ટમાં જતાં તેને વ્હાઈટલિસ્ટ કરવામાં આવ્યો હતો.

સસ્પેન્ડ થયેલા અધિકારીઓમાંથી એક, અલ્પેશ મજુમદાર, હાલ ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. આ અધિકારીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેવી મહત્વની જવાબદારી સોંપાઈ છે, જે શહેર માટે એક મહત્ત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. શહેરમાં ગયા વર્ષે પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સંજોગોમાં, અગાઉ 6 માસ સુધી શહેરીજનોને દૂષિત પાણી પીવડાવનારા અધિકારીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સોંપતા લોકોમાં આક્ષેપો થઈ રહ્યા છે. વિશ્લેષકોના મતે, જે અધિકારી પર દુષિત પાણી વિવાદમાં સીધો જવાબદારીનો આરોપ છે, અને જેને તેના બેદરકારીભર્યા કામ માટે સસ્પેન્ડ કરાયો હતો, તેવા અધિકારીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેવી મહત્વની જવાબદારી આપવી એ યોગ્ય નથી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ્પેશ મજુમદારને સિટી એન્જિનિયર બનવાની ઇચ્છા હતી. આ માટે તેણે રાજકીય સમર્થન મેળવ્યું હતું. શહેરના એક ધારાસભ્ય સાથે તેની નિકટતા પણ ચર્ચામાં રહી છે. સિટી એન્જિનિયરના હોદ્દા માટે અન્ય સિનિયર અધિકારીઓ પણ દાવેદાર હતા, પરંતુ તેમને કઈ રીતે શાંત કરવામાં આવ્યા ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરામાં પાણી પુરવઠા વિભાગમાં પૂર્વે થયેલા વિવાદો અને નિષ્ફળતાઓ હવે નવા પ્રોજેક્ટમાં ફરી દેખાઈ રહ્યા છે. અગાઉ સસ્પેન્ડ થયેલા અધિકારીને મહત્ત્વનો પ્રોજેક્ટ સોંપવો એ શહેરીક વિકાસ અને નાગરિક સુવિધાઓ પ્રત્યેના જવાબદાર તંત્રની પ્રામાણિકતાની ચકાસણી છે. આ નિર્ણય ફરી એકવાર વડોદરાના નાગરિકોના હિત સામે છે કે નહીં? તે માટે વહીવટી તંત્રના જવાબદારો સમર્થનપૂર્વક જવાબ આપશે કે નહીં, તે જોવાનું રહેશે.


શહેરીજનોમાં ઉઠતા સવાલો

1. જે અધિકારીની બેદરકારીને લીધે વડોદરાના નાગરિકોને દૂષિત પાણી મળ્યું, શું તે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે યોગ્ય છે?

2. વડોદરાની પુર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, શું આવા વિવાદિત અધિકારીને આ મહત્વના પ્રોજેક્ટની જવાબદારી આપવી ન્યાયસંગત છે?

3. શું આ નિમણૂક માત્ર રાજકીય પીઠબળના આધારે કરવામાં આવી છે?

Most Popular

To Top