Vadodara

વડોદરામાં પૂર નિવારણ માટે વિશેષ અભિયાન, મુખ્ય કાંસોની સફાઈ જોરશોરથી ચાલુ

વિશ્વામિત્રી નદીમાં સંભવિત પૂરના ખતરા સામે VMC એ પાણી પહેલા પાળ બાંધવા માંડી
20 દિવસમાં 30 કિમી લંબાઈમાં કાંસોની સફાઈનું લક્ષ્ય

વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પુરે શહેરીજનોને ભારે મુશ્કેલીઓમાં મૂકી દીધા હતા. પાણીની આ આપત્તિથી શીખ લઈને, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સજાગ બનીને સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. વરસાદ પહેલા પૂર જેવી પરિસ્થિતિ ટાળવા માટે શહેરની મુખ્ય કાંસોની અસરકારક સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 31 જાન્યુઆરીથી આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 17 કિમી લંબાઈમાં કાંસોની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે. આ કામગીરી હેઠળ કુલ 51,000 ક્યુબિક મીટર માટી બહાર કાઢવામાં આવી છે. VMC દ્વારા 20 દિવસમાં અંદાજિત 30 કિમી લાંબી કાંસોની સફાઈ માટે વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં પાંજરાપોળથી આજવા ચોકડી હાઇવે સુધીની કાંસ પર રિસેકશનની કામગીરી શરૂ કરાઈ હતી. બુલડોઝર અને અન્ય ભારે મશીનરીની મદદથી કાંસોની સફાઈ કરવામાં આવી રહી છે, જેથી વરસાદી પાણીનું વહેંચાણ યોગ્ય રીતે થઈ શકે. આ સાથે ગંગાનગર અને બોરિયા કાંસોની પણ વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. રૂપારેલ કાંસની પણ સફાઈ કરવામાં આવી છે. સાથે જ હાઇવને સમાંતર કાંસની પણ સફાઈ કરવામાં આવી છે. VMCના આ પગલાંથી, આગામી ચોમાસામાં શહેરના નાગરિકોને પુર જેવી પરિસ્થિતિથી રાહત મળશે તેવી આશા છે. વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં થયેલા વિલંબને કારણે શહેરમાં ગત વર્ષના ચોમાસામાં પૂર જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે હવે કોર્પોરેશન વધુ સક્રિય બન્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જો વર્તમાન ગતિએ સફાઈ અભિયાન ચાલુ રહેશે, તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મુખ્ય કાંસોની સફાઈ પૂર્ણ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, કાંસો નદીની સહાયક નદીઓ જેવું જ કાર્ય કરે છે. જો કાંસોની યોગ્ય રીતે જાળવણી કરવામાં ના આવે, તો ભારે વરસાદ વખતે પાણીનો પ્રવાહ અવરોધાય છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ગત વર્ષે આ કામગીરી પર ખાસ ધ્યાન અપાયું ન હતું, પરંતુ હવે VMC ચોમાસા પહેલા જ આ કામને પ્રાથમિકતા આપી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનમાં જો ખરેખર સારી રીતે કામગીરી થાય તો શહેરીજનો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. જો આયોજન મુજબ કામ પૂર્ણ થાય, તો આગામી ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ ઓછી જોવા મળશે.

Most Popular

To Top