મોગર વ્રજભુમી સ્કૂલની બસની સામે રોંગ સાઇડે આવેલી બાઇક અથડાઇ
(પ્રતિનિધિ) આણંદ તા.12
આણંદના કરમસદ ગામમાં રોંગ સાઇડે ધૂમ સ્ટાઇલે દોડી રહેલી બાઇક ધડાકાભેર સ્કૂલ બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
આણંદના ઓડ ગામમાં રહેતા ભરતસિંહ મનહરસિંહ પરમાર ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. તેઓ મોગર ખાતે આવેલી વ્રજભૂમી સ્કૂલમાં છેલ્લા સાતેક વર્ષથી સ્કૂલ બસનું ડ્રાઇવીંગ કરે છે. ભરતસિંહ 12મીના રોજ સવારના પોણા આઠેક વાગ્યાના સુમારે મોગર સ્કૂલથી બસ લઇને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલની સામે આવેલા સાશ્વત સોસાયટીમાં સ્કૂલના બાળકો લેવા માટે નિકળ્યાં હતાં. તેઓ જનતા ચોકડી પસાર કરી તિરૂપતી પેટ્રોલ પંપ નજીક પહોંચતા પુરપાટ ઝડપે સામેથી રોંગસાઇડે ધસી બાઇક ધસી આવ્યું હતું. હજુ બસ ચાલક ભરતસિંહ કંઇ સમજે તે પહેલાં બસની ક્લિનર બાજુ ધડાકા સાથે બાઇક અથડાયું હતું અને રોડ પર ફેંકાઇ ગયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને તપાસ કરતાં બાઇક નં.જીજે 23 ઇબી 9381 હતું. આમ, રોંગ સાઇડે ધસી આવેલી બાઇકના ચાલકની બેદરકારીથી અકસ્માત થતાં ચાલકનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાના પગલે વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલ લક્ષ્મણભાઈ ઠાકોર (ઉ.વ.21, રહે. મહેળાવ) હોવાનું જાણવા મળ્યું હતુ. રાહુલ મહેળાવથી તેની નોકરી પર જતો હતો તે સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો.
