કોંગ્રેસની ઐતિહાસિક કમનસીબી : બોરસદ વિધાનસભા બાદ હવે બોરસદ એપીએમસીની પણ સત્તા ગુમાવી
પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પ્રારંભિક મત ગણતરીમા પહેલા ક્રમે રહ્યા બાદ છેલ્લા બે રાઉન્ડમાં 14 મતથી 11મા ક્રમે જતાં હાર્યા
(પ્રતિનિધિ) બોરસદ તા 12
બોરસદ વિસ્તારમાં છેલ્લા સાત સાત દાયકાથી રાજકીય અને સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનુ એકહથ્થુ શાસન હતું. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં કોંગ્રેસના વળતાં પાણી થવાની શરૂઆત થઇ ગઇ હતી. આવી પરિસ્થિતિમાં આણંદ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અને રાજકીય મોરચે બોરસદ એપીએમસીની ચુંટણી મામલે ખુબ જ ઉતેજના રહી હતી. એપીએમસીની સ્થાપના બાદ પાંચ દાયકામાં પહેલવહેલી વખત જ ચુંટણી ખુબ જ હાઈ પ્રોફાઈલ બની ગઈ હતી. ભાજપ પ્રેરિત ખેડુત પેનલ અને કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના ઉમેદવારો અને સમર્થકો દ્વારા સત્તા મેળવવા અનેકવિધ દાવપેચ અને રાજ રમતો અખત્યાર કરવામાં આવી હતી. જેના કારણે છેલ્લા કેટલાય દિવસોથી પરિણામ બાબતે ખુબ મોટા બદલાવ થવાની શક્યતાઓ રાજકીય વિશ્લેષકો ધ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે બુધવારે હાથ ધરવામાં આવેલ મતગણતરીના પરિણામ મુજબ કોંગ્રેસનુ પાંચ દાયકાથી વધુ જુનું સામ્રાજ્ય ધરાશાયી થઈ ગયું હતું. જ્યારે નવા નિશાળિયા જેવા ઉમેદવારોની ખેડુત પેનલ ઐતિહાસિક જીત થવા પામી છે.
મળતી માહિતી મુજબ બોરસદ એપીએમસીની ચુંટણીનુ મતદાન ગતરોજ મંગળવારે 98.24 ટકા થયું હતું. કુલ 625 માન્ય મતદારો પૈકી 614 મતદારોએ મતદાન કર્યું હતું. ચુંટણી અધિકારી ધ્વારા અધિકૃત કરાયેલ કર્મચારીઓ દ્વારા બુધવારે એપીએમસીના હોલમાં નિયમાનુસાર મતગણતરી કામગીરી સવારે 9 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. મતગણતરીની શરૂઆતમાં માન્ય અને અમાન્ય મતની ગણતરી બાદ પ્રથમ રાઉન્ડની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ચુંટણી તંત્ર દ્વારા મુખ્ય ટેબલેથી રાઉન્ડ મુજબ મતગણતરી કામગીરી દરમિયાન દર 100 મત બાદ પરિણામ જાહેર કરાયું હતું. પ્રથમ 250 મતની ગણતરી દરમિયાન કોંગ્રેસ પ્રેરિત પેનલના રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહીડા પહેલા અને બીજા ક્રમે રહ્યા હતા. પરંતુ બપોર બાદ બાકીની મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોને વધુ પ્રમાણમાં મત મળતાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોનો ધબડકો થયો હતો.
ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો પૈકી સૌથી વધુ મત 326-326 મત ઈલેશકુમાર પટેલ અને તુષારભાઈ પટેલે મેળવ્યા હતા. યોગેશભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલે 321-321 મત મેળવ્યા છે. તો અન્ય ઉમેદવારો પરેશભાઈ પટેલ 319 મત, અશોકકુમાર મહીડા 319 મત, હરમાનભાઈ ઠાકોર 315 મત, નરસિંહભાઈ રાયપુરા 309 મત , દિનેશભાઇ પરમાર અને પ્રતાતસિંહ સોલંકીને 304-304 મત મત મળ્યા હતા. આમ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોએ હરિફ પેનલના તમામ ઉમેદવારોને ધોબી પછાડ આપીને ઐતિહાસિક જીત મેળવી છે.
બોરસદ એપીએમસીમાં સૌ પ્રથમ વખત જ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય થયો છે. જેના કારણે સમગ્ર બોરસદમાં ભવ્ય જીતની ઉજવણી માટે બોરસદ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી , આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ , પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. તેમજ મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવ્યો હતો.
