Vadodara

પીપીપી આવાસ યોજના ખોરંભે છતાં કોર્પોરેશની ત્રિશા ઇન્ફ્રાને કોમર્શિયલની રજા ચિઠ્ઠી આપવાની હિલચાલ

કલાદર્શન ચાર રસ્તાથી ડી માર્ટ જતા રસ્તા પર પીપીપી ધોરણે ગરીબ મધ્યમ વર્ગીય નાગરિકોને માટે આવાસ બનાવી આપવાની યોજના ખોરંભે ચડી છે છતાં પાલિકા કોન્ટ્રાકટર પર મહેરબાન

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પીપીપી ધોરણે આવાસ બનાવી આપવાની યોજના ખોરંભે ચડી હોવા છતાં પાલિકાએ કોન્ટ્રાક્ટરને કોમર્શિયલની રજા ચિઠ્ઠી આપવાની હિલચાલ શરૂ કરતા પાલિકાની નિયત સામે શંકા ઊભી થઈ રહી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તાથી ડી માર્ટ જતા રસ્તા પર પીપીપી ધોરણે ગરીબ મધ્યમ વર્ગીય નાગરિકોને માટે આવાસ બનાવી આપવાની યોજના ખોરંભે ચડી હોવા છતાં તેની સામે આપવામાં આવતી કોમર્શિયલની રજા ચિઠ્ઠી પાલિકાએ કોન્ટ્રાક્ટર ત્રિશા ઇન્ફ્રાને આપવાની હિલચાલ શરૂ કરતા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે . તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે. જેમાં મોજે દંતેશ્વર રેસ ન.523 ટીપી 3, એફ પી 764,765,766 પીપીપી અંતર્ગત આવાસ ના બને ત્યાં સુધી કોમર્શિયલ રજા ચિઠ્ઠી ન આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે. આ અગાઉ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો હતો, છેવાડાના માનવી એવા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને વહેલા આવાસ મળે તે માટે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.


આ પ્રધાનમંત્રી આવાસ યોજના પીપીપી અંતર્ગત મધુનગર દંતેશ્વર ટીપી 3 , ફાઇનલ પ્લોટ 764 ,765, 766, એના પર 59 ઝુપડા હતા. એજ પ્રમાણે 915 નો ફાઇનલ પ્લોટ તેના પર 40 ઝુપડા હતા. 2015 -16 ની અંદર આ ઝૂપડા દૂર કરવામાં આવ્યા અને એ લોકોને પાક્કા મકાન આપવાના હતા. જ્યાં સુધી આવાસ ન મળે ત્યાં સુધી તેઓને ભાડું પણ આપવાના હતા. જ્યારે ત્રિશાને જ્યારે આ ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે 376 આવાસના મકાનો બનાવવાના હતા. 915 ફાઈનલ પ્લોટ પર કોમર્શિયલ બનાવવાનું હતું. 2015 અને 16 માં ઝૂંપડા હટાવાયા હતા. 2016માં આ કોન્ટ્રાક્ટરને રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી. રજા ચિઠ્ઠી આપ્યા પછી પણ આજ દિન સુધી આવાસ બન્યા નથી. જે તે વખતે 766 ફાઇનલ પ્લોટ માં બે પાકા મકાન અંદર હતા. પરંતુ 2023 ની અંદર જાન્યુઆરીમાં તે મકાન તોડવામાં આવ્યા એ મકાન તોડ્યા પછી પણ આજ દિન સુધી માત્ર ફાઉન્ડેશન કરેલું છે. ત્રીજી જે બિલ્ડીંગ ઊભી કરવાની હતી તે પણ કરી નથી. આવાસને સાત થી આઠ વર્ષ થયા. 99 ઝુપડા જે હટાવાયા હતા તે પરિવાર ને ભાડા આપવામાં આવ્યા નથી અને તેઓને રોડ પર ભટકવું પડતું હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ 915 ફાઈનલ પ્લોટમાં કોમર્શિયલની રજા ચિઠ્ઠી આપવાની હિલચાલ શરૂ કરી છે. રજા ચિઠ્ઠી તૈયાર થઈ ગઈ છે. હવે પોતાના ફાયદા માટે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી પાલિકાના અધિકારીઓ 915 ફાઇનલ પ્લોટ પર કોમર્શિયલ કામ ચાલુ કરશે કે આ લોકોને સાત વર્ષથી મકાન વિહોણા કરેલા છે તેઓના મકાન બનાવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. જ્યારે સાઇડ ઉપર માત્ર 30 મજૂર કામ કરે છે. તો 30 મજૂરમાં 300 થી વધુ આવાસો બનાવીને આ ગરીબ નિરાધાર લોકોને ક્યારે પોતાના પાકા મકાન મળશે એ સૌથી મોટો પ્રશ્ન છે.

Most Popular

To Top