પગમાં અને માથામાં હોકી ફટકારતાં સિક્યુરિટી ગાર્ડ બેભાન થઇ ગતો હતો, તેને માથામાં ટાંકા આવ્યા હતા
યુવક શહેરના મુજમહુડા ખાતે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે ભાડેથી રહે છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
શહેરના મુજ મહુડા ખાતે છેલ્લા બે વર્ષથી ભાડેથી રહેતા અને પાદરા રોડ ખાતે આવેલી બાંકો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવક પર ગત તા.30 મી જાન્યુઆરીના રોજ જ્યારે ફરજ પરથી છૂટીને બહાર રિક્ષાની રાહ જોતા લારી પાસે ઉભો હતો તે દરમિયાન એક કારમાંથી ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હોકીથી હૂમલો કરાતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને પ્રથમ ખાનગી સારવાર બાદ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મુજ મહુડા વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી ખાતે મકાન નંબર 182મા રહેતા પરપ્રાંતીય શીવનાયક શ્રીસંતરામ તિવારી છેલ્લા બે વર્ષથી પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં રહે છે અને શહેરના બીલ -પાદરા રોડ ખાતે આવેલા બાંકો કંપનીમાં ફરજ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.શિવનાયક તિવારી બાંકો કંપનીમાં અગાઉ 16 મહિના કોસ્મોસ સિક્યુરિટી ના કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી હતી ત્યારબાદ બાંકો કંપનીમાં કોસ્મોસ સિક્યુરિટી બંધ થઇ જતાં સપ્ટેમ્બર -2024મા સ્ટાન્ડર્ડ સિક્યુરિટી ના કોન્ટ્રાક્ટ હેઠળ બાંકો કંપનીમાં છેલ્લા પાંચ મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તે ગત તા. 29 જાન્યુઆરી,2025ના રોજ નાઇટ શિફ્ટ હોવાથી સાંજે સાત વાગ્યે પંચીગ કરી પોતાની ફરજ બજાવી હતી અને બીજા દિવસે તા.30જાન્યુઆરીના રોજ સવારે પોતાની ફરજ પૂરી કરી કંપનીના ગેટથી બહાર નિકળી બીલ ત્રણ રસ્તા તરફથી મુજ મહુડા જવા માટે શટલ રિક્ષા મળતી હોવાથી ત્યાં રીક્ષાનીરાહ જોતો હતો અને બાજુમાં લારી પરથી પડીકી ખરીદી ખાવાની તૈયારી કરતો હતો તે દરમિયાન એક કાર આવી હતી જેમાંથી ત્રણ અજાણ્યા ઇસમો ઉતરીને આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડના જમણા પગના સાથળના ભાગે હોકી સ્ટીકથી માર માર્યો હતો અને બીજો ફટકો માથામાં મારતાં સિક્યુરિટી ગાર્ડ તમ્મર ખાઇને જમીન પર પડી ગયો હતો બનાવને પગલે આસપાસના લોકો તથા કંપનીના સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો જેથી ત્રણેય ઇસમો કારમાં બેસી ભાગી ગયા હતા.કંપનીના સ્ટાફે ઇજાગ્રસ્ત બેભાન સિક્યુરિટી ગાર્ડને સૌ પ્રથમ અટલાદરા સ્થિત બી.એ.પી.એસ.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં માથામાં ટાંકા અને સારવાર બાદ ત્યાંથી રજા લઈ ઇ.એસ.આઇ.સી.હોસ્પિટલમા ત્યારબાદ એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તા. 11મી ફેબ્રુઆરીના રોજ તે ભાનમાં આવી સ્થિતિમાં સુધારો થતાં સમગ્ર મામલે અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરી.