સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવીને ઘરે જતા હતા તે દરમિયાન અચાનક ઢોર આવી જતાં રોડ પર પટકાયા હતા
શહેરના વારસિયા રિંગ રોડ પર રવિવારે રાત્રે સિક્યુરિટી ગાર્ડ વૃદ્ધ પોતાના ફરજ પરથી છૂટીને ઘર તરફ જતા હતા તે દરમિયાન અચાનક રખડતું ઢોર આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી વારસિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.કેટલ પોલીસીનો અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. લોકો રોડ ટેક્ષ્ટ ભરે છે છતાં તેઓને રખડતા પશુ મુક્ત સારા રોડ રસ્તાઓ ઉપલબ્ધ કરાવવામાં સ્માર્ટ પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે.અગાઉ ઘણાં લોકો રખડતાં પશુઓને કારણે મૃત્યુ પામ્યા હતા અને ઘણા કાયમી ખોડખાંપણ નો શિકાર બન્યા છે છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી જાણે સામાન્ય લોકોના જીવનની જાણે પરવાહ જ ન હોય.ત્યારે શહેરના વારસિયા ખાતે વધુ એક સિનિયર રખડતાં પશુને કારણે ભોગ બન્યા છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 66 વર્ષીય ગિરીશભાઈ ચીમનભાઇ દળવી નામના વૃદ્ધ પોતાના પરિવાર સાથે રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તેઓ ગત તા.09 ફેબ્રુઆરીના રોજ રાત્રે પોતાની ફરજ પરથી છૂટીને ઘરે જતા હતા તે દરમિયાન વારસિયા રિંગ રોડ પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક રસ્તામાં રખડતું ઢોર આવી જતાં ગિરીશભાઇ પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી લોકોએ દોડી આવી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું હતું બનાવની જાણ થતાં વારસિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના આજવારોડ, વાઘોડિયારોડ, તરસાલી, વારસિયા વિસ્તારમાં, ગધેડા માર્કેટ ચારરસ્તા સમા, એરપોર્ટ રોડ માંજલપુર જેવા વિસ્તારોમાં રખડતાં પશુઓ રોડ પર ભટકતા જોવા મળે છે ઘણીવાર પાલિકાના ઢોર શાખા આ રખડતાં પશુઓને પકડવા માટે નિકળે છે ત્યારે પશુપાલકો પોતાના પશુઓને આડેધડ દોડાવતા હોય છે ઢોર શાખાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી પશુઓ છોડાવી જાય છે આમ શહેરમાં અવારનવાર પશુપાલકોની મનમાની અને પાલિકાની ઢીલી નીતિઓને કારણે રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે