રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ-બસ ચાર્જિંગ, સ્મશાન સુધારણા સહિતના કામો થશે
એર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અને શહેરી વિકાસના કામોમાં વપરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કેન્દ્ર સરકારની 15મી નાણાપંચની ભલામણો હેઠળ મળનાર ગ્રાન્ટ દ્વારા શહેરમાં કુલ 65.4 કરોડના 12 પ્રોજેક્ટોને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ગ્રાન્ટ વડોદરાના એર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અને શહેરી વિકાસના કામોમાં વપરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની સ્થાયી સમિતિની બેઠકમાં જ્યારે આ કામની દરખાસ્ત આવી હતી ત્યારે આ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.
વર્ષ 2024-25 માટે વડોદરા કોર્પોરેશનને રૂ.25.26 કરોડ, જ્યારે વર્ષ 2025-26 માટે રૂ. 31 કરોડ મળીને કુલ રૂ. 56.96 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી રૂ.18.4 કરોડ રોડ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં ફૂટપાથ નિર્માણ, રોડ પહોળા કરવાના કામો શામેલ છે. એરપોર્ટ સર્કલથી અમિત નગર ચાર રસ્તા, વુડા સર્કલથી ફતેગંજ સર્કલ, સેવન સીઝથી શાસ્ત્રી બ્રિજ સુધી નવી ફૂટપાથ માટે રૂ. 3.7 કરોડ ખર્ચાશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફુવારા સ્થાપન અને સુરસાગર તળાવ ખાતે ફાઉન્ટેન બનાવવા માટે રૂ. 2 કરોડ ફાળવાયા છે. સાથે જ શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવાના વિસ્તરણ માટે રૂ. 19 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ ઈ-બસ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાશે, જેથી ઈલેક્ટ્રિક બસ સેવા વધુ મજબૂત બને. શહેરના સ્મશાનોમાં ઇલેક્ટ્રિસિટી અને ગેસ ચિતા સ્થાપવા માટે રૂ. 20 કરોડ ફાળવાયા છે.