કાટમાળનો ભાગ રોડ પર પડ્યો,લોકોના જીવને જોખમ :
સત્વરે આવા મકાનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરાના ગેંડીગેડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા મકાનના પોપડા તૂટીને માર્ગ પર પડતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પાલિકાની નિર્ભયતા શાખા ક્યારે અસરકારક કામગીરી કરશે, સહિતના અનેક સવાલો ઉઠ્યા છે. મકાનના પોપડા પડતા ઘર પાસે પડેલી કાર પર કાટમાળનો ભાગ પડતા કારને નુકસાન થયું હતું.

વડોદરા મહાનગર પાલિકાની નિર્ભયતા શાખા જર્જરિત મકાનોને સીલ કરવાની તથા અન્ય જવાબદારીનું વહન કરે છે. સામાન્ય રીતે ચોમાસામાં જર્જરિત માળખાના પોપડા ખરવા, તિરાડો પડવા સહિતની સમસ્યાઓ સામે આવતી રહે છે. જો કે, હવે ચોમાસા વગર પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે શહેરના ગેંડીગેટ વિસ્તારમાં મુખ્યમાર્ગની બાજુમાં આવેલા જર્જરિત મકાનના પોપડા ખર્યા હોવાનું સામે આવ્યું છે. અને કાટમાળનો ભાગ રોડ પર પડ્યો છે. ઘટના સમયે નજીકમાંથી કોઇ વાહન પસાર નહીં થતું હોવાના કારણે જાનહાની થઇ નથી. પરંતુ પાસે પડેલી કારના કાચને નુકશાન પહોંચ્યું છે. સાથે જ કાર પર કાટમાળનો હિસ્સો વિખેરાયેલો જોવા મળી રહ્યો છે. વગર ચોમાસે ઘટેલી ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે જ નિર્ભયતા શાખા દ્વારા ગેંડીગેટ વિસ્તાર સહિત અન્યત્રે જ્યાં પણ જર્જરિત માળખા હોય ત્યાં સત્વરે કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.