કર્મચારીઓ માટે મેડિકલ સુવિધા જીવન જરૂરિયાતનો મુદ્દો
મેડિકલ બીલ રિએમ્બર્સમેન્ટ પ્રક્રિયામાં મુશ્કેલી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના અને નિવૃત્ત કર્મચારીઓ માટે મેડિકલ સુવિધાઓમાં વધતી મુશ્કેલીઓ ગંભીર પ્રશ્ન બની ગઈ છે. કોર્પોરેશન દ્વારા માર્ચ 2024માં બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, તમામ કર્મચારીઓને પાલિકા સંચાલિત PHC, CHC અથવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી જ દવાઓ લેવાનો નિર્દેશ અપાયો છે. જોકે, તે નિર્ણય અમલમાં આવ્યા પછી, અનેક કર્મચારીઓ અને ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ મેડિકલ રિએમ્બર્સમેન્ટમાં અવરોધનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓ માટે મેડિકલ સુવિધા જીવન જરૂરિયાતનો મુદ્દો છે. આવા નિર્ણયો લેતા પહેલા કોર્પોરેશને સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ, એવી કર્મચારીઓમાં લાગણી છે.
જે કર્મચારીઓ વય નિવૃત્ત થયા પછી વડોદરા છોડીને અન્ય શહેરોમાં વસવાટ કરી રહ્યા છે, તેઓ માટે મેડિકલ બીલ રિએમ્બર્સ કરાવવાની પ્રક્રિયા વધુ કઠણ બની ગઈ છે. અગાઉ કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની અને તેનું બીલ કોર્પોરેશન સમક્ષ રજૂ કરવા પર રિફંડ મળતો હતો. પણ હાલમાં, કોર્પોરેશન દ્વારા તેના પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. પરિણામે, જે કર્મચારીઓ વડોદરા બહાર છે, તેઓ માટે આ સુવિધાનો લાભ લેવો મુશ્કેલ બન્યો છે.
નવા નિયમ મુજબ, કર્મચારીઓએ જન ઔષધિ કેન્દ્ર અથવા કોર્પોરેશનના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવા ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે, ઘણા કિસ્સાઓમાં જનરિક દવાઓ સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ઓછી અસરકારક હોવાની ફરિયાદો મળી રહી છે. ખાસ કરીને ગંભીર બીમારીઓ કે ક્રોનિક ઈલનેસવાળા દર્દીઓ માટે, યોગ્ય દવાઓનો અભાવ મોટું સમસ્યાનું કારણ બની રહ્યો છે.
કોર્પોરેશનમાં હાલમાં અંદાજે 5,000 જેટલા કર્મચારીઓ ફરજ પર છે, જ્યારે 6,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના નિવૃત્ત કર્મચારીઓ આ નવી નીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. એમના મતે, તેઓને પોતાના સ્થાને ઉપલબ્ધ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવા અને પરત બીલ રિએમ્બર્સ કરાવવાની પરવાનગી હોવી જોઈએ.
દરેક પ્રકારની દવા જન ઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ નથી
કોર્પોરેશન દ્વારા ફક્ત પોતાના મેડિકલ સ્ટોર અથવા સરકારી જન ઔષધિ કેન્દ્રથી દવા લેવાનો નિર્દેશ સીમિત બનાવી રહ્યો છે. દરેક પ્રકારની દવા જન ઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ નથી, જેનાથી કેટલાક દર્દીઓ માટે ગંભીર સમસ્યા ઉભી થાય છે. બિલ રિએમ્બર્સ કરવા માટેની નવી પ્રક્રિયા ઘણી વાર લાંબી અને મુશ્કેલ બની જાય છે, જેના કારણે કર્મચારીઓને વારંવાર ફાઈલિંગ અને ફોલો-અપ કરવું પડે છે.
પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવી જોઈએ
કર્મચારીઓના મતે, કોર્પોરેશનને મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટે નવી પદ્ધતિ વિકસાવવી જોઈએ, જ્યાં નિવૃત્ત કર્મચારીઓએ અન્ય મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવા પર કોઈ પ્રતિબંધ ન હોય. જન ઔષધિ કેન્દ્રો અને કોર્પોરેશનના મેડિકલ સ્ટોર પર જરૂરી તમામ દવાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. રિએમ્બર્સમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવી જોઈએ, જેથી નિવૃત્ત અને હાલના કર્મચારીઓને વિલંબ કે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.