નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ.૪૫ કરોડ , નડિયાદને રૂ.૨૧.૯૦ કરોડ વિકાસના કામો માટે મળશે
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત સાથે જ આ મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પૂરું પાડ્યું છે. આ સાથે જ વડોદરા મહાનગરપાલિકા માટે રખડતા ઢોરના નિયંત્રણ માટે રૂ.૨૨.૫૦ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રીએ હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફલેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે ૨૦૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી અને ગાંધીધામ એમ છ મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી નગરપાલિકાને એક જ દિવસમાં સમગ્રતયા ૭૧૦ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે મંજૂર કર્યા છે.
તદઅનુસાર, આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી અંતર્ગત સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા, વેસ્ટ કલેક્શન અને ડિસ્પોઝલ, શહેરી બ્યુટિફિકેશન અને IEC પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ કરોડ તેમજ મહાનગરપાલિકાની વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હાથ ધરવા માટે રૂ.૧૦ કરોડ મળી કુલ રૂ. ૨૦ કરોડ વિકાસકામો માટે મંજૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આગવી ઓળખના કામ અન્વયે આણંદમાં નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, નવરચિત નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ.૧.૮૯ કરોડ તથા સિટી બ્યુટિફિકેશન માટે રૂ. ૧૦ કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૧૦ કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ છ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો તથા સ્પેશ્યલ આસીસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અંર્તગતના કામો માટે નાણાં ફાળવણી કરી છે.
વડોદરા મહનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ દક્ષિણ ઝોનમાં રોડ-રસ્તા તથા સ્ટ્રીટ લાઈટના ૭ કામો માટે રૂ. ૬૭.૦૭ લાખ અને પશ્ચિમ ઝોનમાં સી.સી. રોડ તથા પેવર બ્લોકના ૧૦૨ કામો માટે રૂ. ૧૩.૨૫ કરોડ તેમજ રખડતા ઢોરના નિયંત્રણ માટે રૂ.૨૨.૫૦ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવ્યાં છે.