પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. યૌવનની પાંખે ઊડતાં આજના નવયુવાનોને આવી અનુભૂતિ વારંવાર થતી હોય છે.
આદમ અને ઇવને યાદ કરીએ ત્યારે આજના અને યુગ પહેલાના પ્રેમમાં કોઇ સમય બાધ નજરે ચઢે છે? યુગાંતરોથી વણછિપ્યા પ્રેમની કથાઓ લખાવી રહી છે. પ્રકૃતિનું આ અદ્ભુતરૂપ સિમાડાઓ પાર કરી પ્રેમને વ્યકત કરવા નમણો સ્મીપ પસંદ કરે છે. એ સમય એટલે આજની પેઢી માટેનો ‘વેલેન્ટાઇન’ દિવસ. પ્રેમના તાર કયારે કોની સાથે જોડાશે એ કહેવું મુશ્કેલ છે. પ્રેમ તો જીવનને સુવાસિત કરી નવો અર્થ અને આયામ આપે છે.
‘બધી જ વાત કહેવી છે’ અને ‘કશી જ વાત કહી શકાતી નથી’ એવી અસમંજસ પરિસ્થિતિ અનુભવતા યૌવન માટે ‘વેલેન્ટાઇન ડે’ મહામુલો અવસર બની રહે છે. લાગણીની લિપીને કોરા કાગળ પર અંકિત કરવાન સમય હવે રહ્યો નથી. એટલે જે ‘વેલેન્ટાઇન ડે’ આવી લિપીને ઉકેલવાનો પર્વ બની રહે છે. મુકતપણે કબુલાત કરવાનો, બગીચાના ફૂલ પર રેશમી શબ્દો વડે ગમતી વ્યકિતનું નામ કોતરવાનો અવસર એટલે વેલેન્ટાઇન ડે. પ્રેમ ભ્રમ છે કે વહેમ નથી, એને માપવાનો કે પામવાનો અને જાણવાનો દિવસ એટલે ખીલેલા ફૂલને પૂછવું કે વસંત એટલે શું? અને જે જવાબ મળે તે વેલેન્ટાઇન ડે. સંબંધોના ખુલાસા કરવાનો દિવસ માટે એક કવિએ સાચું જ કહ્યું છે કે….
શમણાંના દરવાજે ફૂલોની ભાષામા
પ્રેમને પોકારવાનો હોય છે…
નજરોથી નજરો જયાં પહેલી અથડાય
ત્યાં આકાશી માંડવો બાંધવાનો હોય છે…
પુરુષ અને સ્ત્રી હૃદયની શાશ્વત અનુભૂતિઓ જીવશે ત્યાં સુધી માનવીના હૃદયની અગોચર ઝંખનાઓની વારતા કહેવાતી જ રહેશે. અંતે, રોમરોમ ઉગતી યૌવનની ખુમારીને આ રીતે વધાવીએ.
આસો પલ્લવિત લીલાશમાં પ્રેમનો ઉન્માદ ખીલતો રહે,
મૌન અને શબ્દોની વચ્ચે ‘વેલેન્ટાઇન ડે’ ઝુમતો રહે.