Vadodara

કારેલીબાગ પોલીસ મથકથી સલાટવાડા સુધીના દબાણોનો સફાયો, ત્રણ ટ્રક સામાન જપ્ત કરાયો


પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક માસની ઉજવણીનાં ભાગ રૂપે શહેરના ચાર દરવાજા વિસ્તારના દબાણોનો સફાયો


શહેરના કારેલીબાગ પોલીસ મથકથી માંડી છેક સલાટવાડા ફુલબારી નાકા સુધીના વિસ્તારમાં ગેરેજ સંચાલકો અને ખાણીપીણીવાળાના ભારે દબાણને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડતો હતો. હાલમાં શહેર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસ સુધી શહેરના ચાર દરવાજા વિસ્તારના દબાણોનો સફાયો કરાયા બાદ સોમવારે નાયબ પોલીસ કમિશ્નર પન્ના મોમાયા અને ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશ્નર જગદીશ વસાવા સહિત અલગ અલગ ટીમો દ્વારા પાલિકાની દબાણ શાખાને સાથે રાખી કારેલીબાગ પોલીસ મથકથી સલાટવાડા ફુલબારી નાકા સુધીના દબાણોને સફાયો કરવામાં આવ્યો હતો.
દબાણ શાખા દ્વારા ભંગારમાં પડી રહેલા વાહનો તેમજ લારી-ગલ્લા અને પરચુરણ સામાન મળી ત્રણ ટ્રક કરતાં વધુ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. શહેરના નાગરવાડા અને સલાટવાડા વિસ્તારમાં દિવસભર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદભવતી હતી. સાંજના સમયે સલાટવાડા વિસ્તારમાં માંસાહારી લારી-ગલ્લા અને હોટલોના દબાણના કારણે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બનતું હતું. પાલિકાની દબાણ શાખા અને શહેર પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ દબાણ હટાવો ઝુંબેશને પગલે દબાણકારોમાં નાસભાગ મચી ગઇ હતી.

Most Popular

To Top