Vadodara

વડોદરાની ત્રણ જ્વેલર્સમાં ગ્રાહક બનીને સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા ઝડપાઇ

વડોદરા તા.3
વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર અને વાડી વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનોમાં છેલ્લા ત્રણ મહિનામાં ગ્રાહક તરીકે જઇ વેપારી તથા કર્મચારીઓની નજર ચુકવી નકલી દાગીના મુકી અસલી સોનાના દાગીનાઓની મહિલાએ ચોરી કરી હતી. આ મહિલા માંડવી વિસ્તારમાં દાગીના વેચવા માટે ફરતી હોય ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી હતી. તેની પાસેથી એક સોનાની ચેન અને બે વીંટી મળી રૂપિયા 2.29 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરમાં માંજલપુર, મકરપુરા અને વાડી વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનોમાં અજાણી મહિલાએ ગ્રાહક તરીકે પ્રવેશ કરી દુકાનદાર તથા સ્ટાફના કર્મચારીઓની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરનાર મહિલાની સીસીટીવી ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરતી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક શંકાસ્પદ મહીલા દાગીના વેચવા માટે માંડવીના સોની બજારમાં ફરી રહી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને શંકાસ્પદ મહીલાને અંબાજી માતાની પોળમાંથી ઝડપી પાડી હતી. પ્રવિણા ઉર્ફે ટીની મહેન્દ્ર સેનવા (રહે.સાગર પ્લાઝા, કોયલી, વડોદરા)ની નામની મહીલાને ડીસીબીની કચેરી ખાતે લઈ જઈને તેની પાસેના રૂમાલમાં તપાસ કરતા સોનાની એક ચેઇન તથા સોનાની બે વીંટી મળી આવી હતી. મહીલા પાસે સોનાના દાગીનાઓના પુરાવા બાબતે પુછપરછ કરતા તેને છેલ્લા ત્રણ માસમાં વડોદરા શહેરના માંજલપુર મકરપુરા અને વાડી વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને જઇ જવેલર્સની નજર ચુકવી ઓરીજનલ દાગીનાની જગ્યાએ બગસરાના નકલી દાગીના મુકી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી આ મહીલા પાસેથી મળી આવેલી સોનાની એક ચેઇન અને બે વીંટી મળી રૂ.2.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે માંજલપુર, મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર મહિલા ગુનાઇત ભૂતકાળ ધરાવે છે અને તેના વિરુદ્ધ વડોદરા શહેરના ત્રણ તથા ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનના મળીને ચાર ગુના નોંધાયેલા છે.

Most Popular

To Top