Editorial

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ થતાં ભારતે ક્રૂડ નો લાભ લેવો જોઈએ

અમેરિકા અને મધ્યસ્થી કતારે કહ્યું છે કે ઇઝરાયલ અને હમાસ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે સહમત થયા છે. સમાધાનની શરતો અનુસાર, હમાસ ઇઝરાયલના બંધકોને મુક્ત કરશે. તેના બદલામાં ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધને ધ્યાનમાં લઈએ તો આને એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે. 7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ પછી ઇઝરાયલે ગાઝામાં હુમલા શરૂ કર્યા હતા. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 46,700 લોકોનાં મોત થયાં છે.

આમાં મોટા ભાગના નાગરિકો છે. વિશ્લેષકોના મતે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે માત્ર મધ્યપૂર્વમાં જ અસ્થિરતા નથી આવી, પરંતુ સમગ્ર વિશ્વને પણ તેની અસર થઈ છે. ભારત પણ એનાથી બાકાત નથી. આ જ કારણ છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેની સમજૂતીનું સ્વાગત કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, “ભારતને આશા છે કે આ સમાધાનને લીધે કોઈ પણ અડચણ વગર ગાઝાના લોકો સુધી માનવીય મદદ પહોંચતી થશે. અમે તમામ બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ, વાટાઘાટ અને કુનેહ દ્વારા આ મામલાના નિરાકરણની સતત હિમાયત કરી રહ્યા છીએ.’’ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના જણાવ્યા અનુસાર, ત્રણ તબક્કામાં લાગુ થનારા આ કરાર હેઠળ યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને ગાઝાના પુનર્નિર્માણ સંબંધિત પગલાં લેવામાં આવશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેની સમજૂતીથી ભારતને પણ ઘણા મોરચે રાહત મળી શકે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને કારણે અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહેલા મધ્ય પૂર્વમાં ભારતના ઊંડા આર્થિક અને વ્યૂહાત્મક હિત છે. આવી સ્થિતિમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ભારતનાં વિવિધ હિતોને કેવી અસર થઈ છે અને યુદ્ધવિરામથી તેને શું રાહત મળશે તે જાણવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. સરકારના અંદાજે આંકડા મુજબ, 1.34 કરોડ પ્રવાસી ભારતીયમાંથી લગભગ 90 લાખ ભારતીય અખાતના દેશોમાં રહે છે અને દર વર્ષે લગભગ 50થી 55 લાખ ડૉલર ભારત મોકલે છે. વર્ષ 2020-21માં યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત અને કતારનો ભારતની બહારથી મોકલવામાં આવતી આવકમાં 29 ટકા હિસ્સો છે. તે પછી અમેરિકા છે, જ્યાં રહેતા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતાં નાણાંનો હિસ્સો 23.4 ટકા છે.

ડૉ. ફઝ્ઝુર્રહમાન કહે છે કે, “જો મધ્યપૂર્વમાં શાંતિ છે, તો ભારતને ત્યાં કામ કરતા ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી શકાય છે. જો હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આ વિસ્તારોમાં ફેલાયું હોત તો ભારતે પોતાના કામદારોને અહીંથી બહાર કાઢવા માટે મોટી રકમ ખર્ચવી પડી હોત. આ ભારત પર વધારાનો બોજ હોત. 1990ના દાયકામાં ભારતે સુરક્ષાના કારણસર ઇરાક અને કુવૈતમાંથી પોતાના એક લાખ દસ હજાર નાગરિકોને બહાર કાઢવા માટે મોટી રકમ ખર્ચવી પડી હતી. અમેરિકા અને ચીન પછી ભારત ક્રૂડઑઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે.

ભારત તેની 85 ટકા ઑઇલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. યુક્રેન પર હુમલા બાદ ભારતે રશિયા પાસેથી ઑઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. પરંતુ મધ્યપૂર્વના દેશો હજુ પણ તેની તેલની આયાતમાં મોટો હિસ્સો ધરાવે છે. એપ્રિલ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે રશિયા પાસેથી ઑઇલની ખરીદીમાં વધારો થયો હોવા છતાં, ભારતે તેની જરૂરિયાતના 44 ટકા ઑઇલ મધ્યપૂર્વ અને આફ્રિકન દેશો પાસેથી ખરીદ્યું હતું. એના એક વર્ષ પહેલાં સુધી આ આંકડો 60 ટકા હતો. જ્યારે ઇઝરાયલે એપ્રિલ 2024માં ઈરાન પર હુમલો કર્યો ત્યારે ક્રૂડઑઇલની કિંમત અચાનક વધી ગઈ હતી અને બેરલ દીઠ 90 ડૉલર સુધી પહોંચી ગઈ હતી.

Most Popular

To Top