વડોદરા તા.2
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રોપર્ટીને ઝઘડો ચાલતો હોય ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીને રિવોલ્વર કાઢીને ગોળી મારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જેમાં કમરના નીચેના ભાગે ગોળી ખૂંપી જતા લોહી લુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પાડોશી મહિલાએ કંટ્રોલમાં જાણ કરતા માંજલપુર પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોંચી જઈ આગળની તપાસ હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા નીલમ શર્મા અને તેમના પતિ વચ્ચે પ્રોપર્ટીને લઈ છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન આજે ૨ ફેબ્રુઆરીના રોજ પણ પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટી બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન પતિએ અગાઉથી જ રિવોલ્વર લઈને આવ્યો હતો , તેનાથી પત્ની નીલમ શર્મા ને ગોળી મારી દીધી હતી. પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો જોઈ સોસાયટીના લોકો પણ ભેગા થઈ ગયા હતા પરંતુ પતિએ ગોળી મારી દેતા પાડોશમાં રહેતી એક મહિલાએ કંટ્રોલમાં વર્ધી લખાવી હતી. કંટ્રોલ દ્વારા માંજલપુર પોલીસને જાણ કરી હતી ,સંપૂર્ણ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગંભીર રીતે ગવાઈ ગયેલી મહિલાને લોહીથી લથબથ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.