Vadodara

લોખંડની પ્લેટોની આડમાં હરિયાણાથી કચ્છ તરફ જતા કન્ટેનરમાંથી રૂ.14.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નેશનલ હાઇવે 48 પરથી પીસીબીએ ચાલકને દબોચ્યો, દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ત્રણ વોન્ટેડ

દારૂનો જથ્થો, મોબાઈલ, કન્ટેનર અને લોખંડની પ્લેટો મળી રૂ. 46.19 લાખનો મુદ્દામાલ કબ્જે

પ્રતિનિધિ વડોદરા તા.1
હરિયાણાથી લોખંડની પ્લેટની આડમાં કન્ટેનરમાં ભરી કચ્છ તરફ લઈ જવાતો હતો. જે કન્ટેનર નેશનલ હાઈવે 48 પર હોટલ કમ્ફર્ટ ઈન તથા નાયરા પેટ્રોલ પંપની વચ્ચે મૂકેલું હતું. જેથી પીસીબીની ટીમે સ્થળ પર પહોંચી કન્ટેનરમાં તપાસ કરતા રૂ.14.88 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ, કન્ટેનર, લોખંડની પ્લેટો સહિત રૂ.46.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સોંપવામાં આવ્યો છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પીસીબી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. પીસીબી પીઆઈ સી બી ટંડેલની સૂચના મુજબ સ્ટાફના એએસઆઇ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હે.કો. દિપેશસિંધ નરેશસિંધને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલી રોડની સાઇડમાં એક કન્ટેનર પાર્ક કરેલું છે. જેમાં એક ડ્રાઇવર ઇસમ હાજર છે અને આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેના આધારે બાતમીવાળી જગ્યા પર પીસીબી પોલીસની ટીમે રેઇડ કન્ટેનરમાં ચાલક હાજર હોય તેને ઝડપી પાડયો હતો. ચાલકને નીચે ઉતારી આ બાદ તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતા લોખંડના સામનાની આડમાં ભરી રાખેલો વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો. પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો રૂ.14.88 લાખ, કન્ટેનર રૂપિયા 15 લાખ, લોખંડની પ્લેટો નંગ – 326 ,રૂપિયા 16.26 લાખની અને એક મોબાઇલ મળી રૂપિયા 46.19 લાખના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક સાકીર નિયાઝમહમદ ખાન (હાલ રહે. ફરીદાબાદ હરીયાણા)ની ધરપકડ કરી લેવામા આવી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર બે શખ્સ અને મંગાવનાર મળી ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. કન્ટેનર ચાલક સાકીર ખાનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે હરિયાણાથી લોખંડની પ્લેટો કચ્છ તરફ લઈ જતો હોય બે શખ્સોએ રૂ.30 હજાર રૂપિયા આપીને દારૂ પ્લેટની આડમાં સંતાડી મૂકી આપ્યો હતો.

Most Popular

To Top