રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજય સરકાર એક્શનમાં આવી હતી અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાયા હતા. જોકે હાલમાં ગેમ ઝોન ફરી શરૂ કરાયા છે, ત્યારે શુક્રવારે રાજમહેલ રોડ પર આવેલા ગેમ ઝોનમાં બાળક પડી જતાં માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ બાબતે બાળકના પિતાએ ગેમઝોનમાં રજૂઆત કરતાં ગેમઝોનવાળાઓએ હાથ ઊંચા કરી કહ્યું કે, તમારી પાસે કન્સર્ન ફોર્મ ભરાવી દીધાં બાદ અમારી કોઈ જવાબદારી નથી. શહેરના રાજમહેલ રોડ પર આવેલો ગેમઝોન વિવાદમાં સપડાયો હતો.
એક યુવક પોતાના 10 વર્ષના પુત્રને લઈને ગેમઝોનમાં ગયા હતા. જ્યાં બાળક જમ્પિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જમ્પિંગના એકિઝટમાંથી પડી જતાં બાળકના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હતી. જેને પગલે તેના પિતા બાળકને લઈને ગેમઝોનના કાઉન્ટર પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે કાઉન્ટર પર હાજર મહિલા કર્મીઓએ તેઓને જણાવ્યું હતું કે, અમે તમારી પાસેથી કન્સર્ન ફોર્મ ભરાવી દીધું છે, તે બાદ અમારી કોઈ જવાબદારી નથી. જેને પગલે મામલો ગરમાયો હતો. ઘટના અંગે જાણ થતાં રાવપુરાના પોલીસ મથકના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.