સુરતમાં જેમ નાટક ભજવાવા ફરી શરૂ થયા છે તો ચિત્રગેલેરી (ART GALLERY) પણ ફરી ચિત્રકૃતિઓ વડે તેના ભાવકોને નિમંત્રી રહી છે. હમણાં અજિત પારેખની છબીઓનું પ્રદર્શન (EXHIBITION) રોટરી આર્ટ ગેલેરીમાં ચાલી રહ્યું છે. તેમાં તેમણે 33 જેટલી છબીકૃતિઓ પ્રદર્શિત કરી છે તો વનિતા આર્ટ ગેલેરીમાં ‘ઊર્જા 2021’ હેઠળ સુરતના 27 ચિત્રકારોએ પોતાની ત્રણ – ત્રણ કૃતિઓ પ્રદર્શિત કરી છે.
આ ચિત્રકારો (PAINTERS)માં વરિષ્ઠ કહેવાય તેવા રોહિત ઝવેરીથી માંડી અભિષેક મંડલા, કૌશિક ગજજર, જય ગોહિલ, તન્વી ચૌહાણ, રંજન નારકર, કૃણાલ કંસારા, રાહુલ પાપણીયા, મોના દલાલ, અમી ગોદીવાલા, અંજના ચેવલી, બીનિતા લીંબાણી, દિશા લાઠિયા, દૃષ્ટિ કલથિયા, આશી પ્રજાપતિ, હર્ષિતા સોમાણી, જબીર કુરેશી, કાજલ મોરે, પ્રાચી અડવાણી, હર્ષિતા નંદવાણી, અર્પિતા મંડલા ઉપરાંત નૈષધ જાની, રાજર્ષિ સ્માર્તની ચિત્રકૃતિઓ જોવા મળે છે.
સ્વાભાવિક રીતે જ આ પ્રદર્શનમાં ભાવકોને શૈલી વૈવિધ્યનો અનુભવ થશે અને એ જ રીતે જુદાં જુદાં માધ્યમોમાં કામ કરવા ઉત્સુક સર્જકતાનો ય પરિચય થશે. સુરત પાસે આટલા બધા ચિત્રકારો છે તે જાણી આપણે રોમાંચ અનુભવવો જોઇએ અને તેમાં યુનવર્સિટીમાં ચિત્રકળા શિક્ષણ મળતું થયું તેનું પણ કારણ ઉમેરાવું જોઇએ. આ પ્રદર્શનમાં કુલ 10 જેટલા ચિત્રકારો તો એ આર્ટસ ફેકલ્ટી (ART FACULTY)ના જ છે.
વનિતા આર્ટ ગેલેરી સુરતને પ્રાપ્ત થયેલી એક ઉત્તમ ગેલેરી છે અને આ વખતે ગેલેરી આયોજકોએ સામે ચાલી ‘ઊર્જા’ સાથે પ્રદર્શન વિચાર્યું તે એક મહત્ત્વની બાબત કહેવાય. રોહિત ઝવેરી (ROZZA)નાં ચિત્રોનું એકલ પ્રદર્શન અત્યારે અમદાવાદ ચાલી રહ્યું છે અને અહીં તેઓ તેમની ત્રણ કૃતિ સાથે હાજર છે. તેમણે અજાણ્યા ગ્રહો ને રંગો અને તેની મસૃણતા સાથે આલેખ્યા છે. તેમનામાં રંગોની લયબધ્ધતા પ્રગટે છે ને ગ્રહોની રહસ્યમયતા પણ તેમાંથી ઉભરે છે.
તો કૌશિક ગજજરના લેન્ડસ્કેપ (LANDSCAPE) ભાવકોને કાલ્પનિક સૃષ્ટિમાં લઇ જાય છે. આ પ્રદર્શનનાં ઘણાં ચિત્રોમાં વર્તમાન જીવન અને માણસની વાસ્તવિકતાનાં જુદાં જુદાં રૂપો શૈલીગત વિશેષતા સાથે માણવા મળશે. અમી ગોદીવાલાના ‘બરીડ પાસ્ટ’, ‘રોટી, કપડાં ઔર મકાન’ અને લારી પર રખાયેલી ચીજોવાળા ચિત્રમાં વર્તમાનને તેની સાહજિકતા સાથે ચીતરવાનો પ્રયાસ જણાશે. કેટલાંક ચિત્રકારો પ્રતીક, કલ્પન વડે રહસ્યમયતા સર્જે તો કેટલાંક સીધા વાસ્તવદર્શનને રંગો વડે, આકારો વડે આલેખે. એ રીતે દૃષ્ટિ કલથિયાનું કામ ઘણું રસપ્રદ જણાશે. તેમાં એક પ્રકારની લિરીસીટી છે અને ભૂરા રંગની લીલા એકદમ કોમળતાથી અંકાયેલી છે.
એક જ રંગના લેયર્સ (ONE COLORED LAYER) વડે તે મનને શાતા આપે છે. આશી પ્રજાપતિનું કામ જોતાં રઝાના બિન્દુ શ્રેણીનાં ચિત્રોનું સ્મરણ જાગશે તો દિવ્યેશ બાગડાવાલાએ નદી, હોડી, માછલી, માછણ વગેરેના સાહચર્ય વડે જે સંયોજન રચ્યું છે તે ભાવકને પરિચિતતાનો અહેસાસ કરાવે છે. કૃણાલ કંસારાએ એક ચિત્રમાં માણસના માથાને લાંબી સૂંઢની રીતે આલેખ્યું છે તે એક મોટી પ્રતીકાત્મકતા સર્જે છે. અહીં તેઓ માનવ અસ્તિત્વને એક રીતે આલેખે છે તો બીજા ચિત્રમાં બંધાયેલા કૂતરાને પડછાયા સાથે આલેખ્યો છે. અહીં પશુમનની એક દશા છે અને તે સંવેદનશીલ ભાવકને બાંધે છે.
આ પ્રદર્શન ઘણી બધી રીતે ભાવકને કૃતિ પાસે રોકે છે. બીનિતા લંબાણીએ ત્રણ ઘડિયાળો મૂકી છે. તેમાં નિયત સમયચક્ર દર્શાવતાં આંકડા નથી. એકમાં જયાં 12 વાગ્યા હોય ત્યાં બીજી ઘડિયાળમાં ત્રણ યા નવ હોય અને એ જ રીતે ઘડિયાળના કાંટા પણ અવળા – સવળા ફરતા હોય સમયનો આખો નિશ્ચિત ખ્યાલ જ આ કૃતિ જોતાં બદલાઇ જશે અને થશે કે સમયબધ્ધતામાં બંધાઈને રહેતું નથી. જયદીપ કોટડિયાના સિરામિક સ્ક્લ્પચરનું નેચરાલીઝમ જોનારના સ્પર્શેન્દ્રિયને જીવંત કરી દેશે એટલે સાબૂત છે.
કૃણાલ કંસારાના ડ્રોઇંગના કમ્પોઝિશન એવા છે જેમાં જાત સાથેનો સંવાદ પ્રગટ થાય છે. પિંજર, પંખી તમે જોશોને અનુભવ થશે. ચાર્મી લાઠિયાના જુદા જુદા રંગોના વસ્ત્રવણાટમાં અનેક સંયોજન રચાય છે તો મોના દલાલના ચાના ટેબલને જોતાં રિયાલિસ્ટિક સ્ટાઇલ ગમશે. દૃષ્ટિ કલથિયા પર્યાવરણીય હ્યુમરને આલેખે છે. તો રાજર્ષિ સ્માર્ત પ્રિન્ટ મેકિંગની વુડકટ અને એચિંગની નવી પ્રયોગશીલતા દાખવે છે. તેમના રિક્ષા શ્રેણીના કાર્યને અહીં નવા રૂપે આગળ વધતું જોવાશે. ચિત્રકાર કઇ કઇ રીતે વાસ્તવિકતાનું રૂપાંતર સાધે છે તે અહીં જોવા મળશે.
તો નૈષધ જાનીએ સફેદ કાગળ પર સફેદને જ જાળવી રાખી ગાંધીના જીવનદર્શનને પ્રિન્ટરૂપે પ્રગટ કર્યું છે. ગાંધીને જોવાનો એક ફિલોસોફિકલ એટિટયુડ પણ તેમાં વર્તાશે.
અહીં બધાં જ ચિત્રો વિશે નોંધવું શકય નથી અને ભાવક સ્વયં જયારે તે જુએ ત્યારે પોતાની રીતે તેને ઝીલે તે પણ મહત્ત્વનું છે. અત્યારે તો આનંદ એ વાતનો કે ગેલેરી ફરી ચિત્રોથી સભર બની છે ને ભાવકને આકર્ષી રહી છે. 29 થી શરૂ થયેલું આ પ્રદર્શન 8 ફેબ્રુઆરી સુધી ચાલશે અને સાંજે ૩-૩૦ થી ૭-૩૦ દરમ્યાન જોઇ શકાશે.