Vadodara

VMC માં પ્રોબેશનરી એન્જિનિયરને ડેપ્યુટી એન્જિનિયરની જવાબદારી સોંપાતા જૂના એન્જિનિયરોમાં રોષ

નવી ભરતીમાંથી જ નિમણૂક થતાં જૂના એન્જિનિયરોમાં અસંતોષનો ગણગણાટ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં એન્જિનિયરોની કાયમી ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં આવેલા એક નવા એન્જિનિયરને સીધો ડેપ્યુટી એન્જિનિયરની જવાબદારી સોંપતા કોર્પોરેશનમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. ખાસ કરીને વર્ષોથી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સેવા આપતા જૂના એન્જિનિયરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, વીએમસી દ્વારા તાજેતરમાં વિવિધ પદો માટે એન્જિનિયરોની ભરતી કરવામાં આવી હતી. આ નવા ભરતી થયેલા એન્જિનિયર હજી પ્રોબેશન પીરિયડમાં છે, છતાં તેમને ડેપ્યુટી એન્જિનિયરના ચાર્જ આપાતા જૂના એન્જિનિયરોમાં નારાજગી ફેલાઈ છે. વર્ષોથી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કરતા અધિકારીઓ માટે આ નિર્ણય આશ્ચર્યજનક સાબિત થયો છે.

કોર્પોરેશનમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ, આ પદ મુજબની વરિષ્ઠતા અને અનુભવને ધ્યાનમાં લીધા વિના, નવા આવેલા એન્જિનિયરને મહત્વની જવાબદારી સોંપવી યોગ્ય નથી. કેટલાક જૂના એન્જિનિયરોને લાગણી છે કે આ નિર્ણય તેમની મહેનત અને અનુભવની અવગણના છે.

આ મુદ્દે હવે અસંતોષ વ્યક્ત કરી રહેલા જૂના એન્જિનિયરો મ્યુનિસિપલ કમિશ્નર પાસે રજૂઆત કરે છે કે પછી વાતો જ કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. જો કે, વેમસી તંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Most Popular

To Top