Vadodara

શહેરના વિકાસ માટે પ્રજાજનોનો અવાજ કેટલો સંભળાયો?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરીજનોના 284 સૂચનો સ્વીકારાયા, છતાં અનેક માંગણીઓ અધૂરી!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે બજેટ તૈયાર કરતા નાગરિકો પાસેથી સૂચનો મેળવવા માટે એક નવી પહેલ હાથ ધરી હતી. એક જાહેર ઇમેલ આઈડી દ્વારા લોકોને પોતાના સૂચનો મોકલવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુલ 1982 સૂચનો મળ્યા, જેમાંથી 284 સૂચનો બજેટમાં સમાવાયા છે.

બજેટમાં સમાવાયેલા કેટલાક મહત્વના કામો:

પાલિકા કર્મચારીઓ અને પેન્શનરો માટે મેડિકલ બિલ માટે વધુ ફંડ ફાળવવામાં આવશે.

ભાયલી સ્ટેશનથી કલાલી બ્રિજ તરફ ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન.

નાના અને મોટા તળાવો ઈન્ટરલિંક કરીને પ્રાકૃતિક પાણી સંચય વધારવાનો પ્રયાસ.

દશા માતા તળાવની તાત્કાલિક સફાઈ અને વિસ્તરણની યોજના.

ઝાંસીની રાણી સર્કલથી અમીન પાર્ટી પ્લોટ તરફ કાસ બનાવવા અંગે વિચારણા.

સિટી બસ પરિવહનમાં નવા બસ સ્ટેન્ડ અને વધુ બસોની માંગણી સ્વીકારાઈ.

મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાગરિકોને તાત્કાલિક માહિતી મળી રહે તેવી સુવિધા.

વાડી હરણખાના રોડ પર નવી ડ્રેનેજ લાઇન નાખવાની મંજૂરી.

બજેટમાં ન સામેલ કરાયેલી માંગણીઓ:

જ્યાં એક તરફ કેટલીક અગત્યની માગણીઓ બજેટમાં સામેલ થઈ, ત્યાં બીજી તરફ ઘણા નાગરિકોની રજૂઆતો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને આ મુદ્દાઓ પર નાગરિકો નારાજ છે:

એફોર્ડેબલ આવાસ દુકાનો: બંધ દુકાનો સસ્તા ભાવે નાગરિકોને આપવાની માંગ અમલમાં લાવવામાં આવી નથી.

વેરા બિલ મુદ્દે પ્રશ્નો: નાગરિકોએ વેરા વસૂલાત અંગે વિરોધ વ્યક્ત કર્યો, પરંતુ તેમની રજૂઆતો અવગણવામાં આવી.

એડવાન્સ ટેક્સ રિબેટ: 10-15% ના બદલે 25-30% અને ત્રણ વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરનારા માટે 50% છૂટની માંગણી અધૂરી.

વાસણા ફ્લાયઓવર: ફ્લાયઓવર ન બનાવવાની માંગણીઓ સામે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

સુએઝ પ્લાન્ટ સ્થળાંતર: વોર્ડ નં. 16ના સુએઝ પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની માંગ બાકી.

ખાનગી સોસાયટીઓ માટે ગટર ઢાંકણ: તુટેલા ઢાંકણ બદલવા અંગે પાલિકાએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

કબ્રસ્તાન માટે જગ્યા: 50,000 ચોરસ ફૂટની અલગ જગ્યાની માંગણીઓ અવગણાઈ.

વૃદ્ધાશ્રમ: પાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમ શરૂ કરવાની નાગરિકોની માગણી બજેટમાં સ્થાન પામી નથી.

VMC દ્વારા ડ્રાફ્ટ બજેટમાં ફી અને લાગતોમાં મોટો વધારો સૂચવાયો

ખોદાણ, પાણી-ડ્રેનેજ, બાંધકામ પરવાનગી, અને જાહેર સુવિધાઓની ચાર્જમાં વધારો સૂચવાયો

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માટેનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારની ફી અને લાગતોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવો બજેટ શહેરીજનોની ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે.

વોર્ડ સેનેટરી વિભાગ અને ખોદાણ લાગત પર વધારો

વોર્ડ સેનેટરી વિભાગ હેઠળ વિવિધ પરવાના ફી વધી છે, જેમાં ખોદાણ લાગતનો સમાવેશ થાય છે.

કાચી ચરી માટે : રૂ. 2000 થી વધારી ₹2500 પ્રતિ ચોરસ મીટર

પાકી ચરી માટે : રૂ. 4000 થી વધારી ₹5000 પ્રતિ ચોરસ મીટર

ખાળ કુવા સફાઈ હદમાં રહેણાંક માટે : રૂ. 3000 થી વધારી ₹4000

પાણી અને ડ્રેનેજ કનેક્શન માટેની મજૂરીની ફી પણ વધારી છે :

1/2 ઇંચનું કનેક્શન: રૂ. 800 થી ₹1000

3/4 ઇંચનું કનેક્શન: રૂ. 1200 થી ₹1500

1 ઇંચનું કનેક્શન: રૂ. 1700 થી ₹2000

2 ઇંચનું કનેક્શન: રૂ. 3500 થી ₹5000

જમીન મિલકત શાખા અને બાંધકામ પરવાનગી શાખાની ફી વધારાઈ

જમીન મિલકત શાખા અંતર્ગત, જો ખાનગી જગ્યાએ માત્ર સ્ટ્રક્ચર ઊભું હશે તો વાર્ષિક ₹2000 પ્રતિ ચોરસ મીટર વસૂલવામાં આવશે.

બાંધકામ પરવાનગી માટેની વિવિધ ફી પણ વધી છે:

નકલ ફી: રૂ. 300 થી ₹400

બાંધકામ પાણી ફી: રૂ. 1000 થી ₹1200

આર્કિટેક્ચર/સ્ટ્રક્ચરલ એન્જિનિયર લાઇસન્સ ફી: રૂ. 10,000 થી ₹12,000

ડેવલોપર લાઇસન્સ રજીસ્ટ્રેશન ફી: રૂ. 25,000 થી ₹30,000

ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર અને ટાઉન હોલ ભાડા પર અસર

રહેણાંક માટે: 34 યુનિટ અને વધુ માટે ₹2 લાખ વસૂલાશે

કોમર્શિયલ માટે: 10 યુનિટ અને વધુ માટે ₹3.50 લાખ વસૂલાશે

સાંસ્કૃતિક હોલના ભાડા પણ વધી શકે છે:

નગર ગૃહ રિહર્સલ ભાડું: રૂ. 3000 થી ₹3500

ફોયર ચાર્જ: રૂ. 2000 થી ₹2500

અગ્નિસમન, પાણી ટેન્કર, ડ્રેનેજ અને લેબ ચાર્જમાં વધારો

ટેન્કર ચાર્જ (પંપ વગર): રૂ. 300 થી ₹400

ટેન્કર ચાર્જ (પંપ સાથે): રૂ. 400 થી ₹600

ટ્રીટેડ વેસ્ટ વોટર ચાર્જ: રૂ. 50 થી ₹100

પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ખાદ્યચીજોની ચકાસણી ફી પણ વધી છે:

સામાન્ય સેમ્પલ ટેસ્ટિંગ: રૂ. 550 થી ₹600

એચપીએલસી અને જીસી ચકાસણી: ₹1000

ફિલ્મ શૂટિંગ અને ગાર્ડન ઉપયોગ માટે વધતા દર

ગુજરાતી ફિલ્મ શૂટિંગ: રૂ. 5000 થી ₹7500

બિન-ગુજરાતી ફિલ્મ શૂટિંગ: રૂ. 10,000 થી ₹15,000

પ્રિવેડિંગ, મોડેલિંગ, બર્થ ડે શૂટિંગ: રૂ. 2000 થી ₹2500

રસ્તા ખોદકામ અને દંડમાં વધારો

રહેણાંક વિસ્તારમાં ખોદકામ દંડ: રૂ. 3500 થી ₹5000 પ્રતિ ચોરસ મીટર

બિન-રહેણાંકમાં: રૂ. 5000 થી ₹7500 પ્રતિ ચોરસ મીટર

ફૂટપાથ અથવા પેવિંગમાં તોડફોડ માટે: રૂ. 5000 થી ₹7500

વગર પરવાનગી રોડ ખોદનારને: 5 ગણી પેનલ્ટી

નવા ડ્રાફ્ટ બજેટ અંતર્ગત તમામ નાગરિકોને વિવિધ ચાર્જ અને ફી માટે વધારે ચૂકવણું કરવું પડશે. શહેરી વિકાસ અને સુવિધાઓ માટે આ વધારો જરૂરી માનવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિક માટે આ નવો ટેક્સ બોજ પડકારરૂપ સાબિત થઈ શકે છે.

વર્ષ 2025-26 ના ડ્રાફ્ટ બજેટ પર સ્થાયી સમિતિની ચર્ચાઓ : 50 કરોડના સફાઈ વેરાની ભવિષ્યમાં ફરી સમીક્ષાના સંકેત

ગત રોજ મ્યુનિસીપલ કમિશનર દ્વારા 2025-26 ના વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. આજે, આ બજેટના મૂલ્યાંકન માટેની બેઠક કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં થઈ હતી, જેમાં સદસ્યોએ કર દર અને રેવન્યુ ખર્ચ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકની અધ્યક્ષતા એડ. ડૉ. શીતલ મિસ્ત્રીએ કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ગત રોજ રજૂ થયેલ બજેટમાં 50 કરોડ રૂપિયાની સફાઈ વેરો ઝીંકવામાં આવ્યો છે, જે એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. આ મુદ્દા પર હવે સમિતિની અંદર વિસ્તૃત ચર્ચાઓ થઈ રહી છે અને એવી શક્યતા છે કે, આ નિર્ણય પરત લેવામાં પણ આવી શકે છે. વિશેષ કરીને, શહેરમાં તાજેતરમાં જ થયેલા પૂર પ્રાવાહ અને તેના પરિણામે શહેરીજનોએ જે હાલાકી અને નુકસાન સહન કર્યું હતું, તેને લઈને આ નિર્ણય પર ફેર વિચારણા થાય તો નવાઈ નહી. અનેક લોકો હજુ પણ એવા છે કે જેમને નુકસાનીનું વળતર પણ મળ્યું નથી, જેના કારણે લોકો વચ્ચે અણસંતોષ પણ છે.

વિશ્વસનીય સૂત્રો મુજબ, આગામી વર્ષમાં પાલિકાની ચુંટણી પણ યોજાવાની છે તેવામાં શાસક પક્ષ તરફથી આ 50 કરોડના સફાઈ વેરા અંગેનો નિર્ણય પરત કરાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે!

Most Popular

To Top