શહેર કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
વર્ષોથી ચાલતી પરંપરાને અનુરૂપ, 76માં ગણતંત્ર દિવસે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લકડી પુલ ખાતે આવેલ શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા ધ્વજવંદન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે દેશના લોકશાહી આધારિત બંધારણને સુરક્ષિત રાખવું જરૂરી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું કે આજના સમયમાં લોકશાહી અને બંધારણને ખંડિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના વિરોધમાં કોંગ્રેસ સતત લડી રહી છે.
આ ધ્વજવંદન કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સર્વે, પુષ્પાબેન વાઘેલા, અમીબેન રાવત , નરેન્દ્ર રાવત તેમજ વડોદરા શહેર કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે સંગઠનને મજબૂત બનાવવા અને જનસેવા માટે નવી પ્રેરણા મળે તેવા સંકલ્પો લેવાયા હતા.