Vadodara

માંજલપુરમાં આવેલી પાટીદાર ચોકડી પાસે ચાલતી સાઈટ ઉપર આઠમા માળે ઝરી કામ કરતી વખતે ગેલેરીમાંથી નીચે પડતા 26 વર્ષીય મહિલાનુ મોત

શહેરમાં અવારનવાર કંસ્ટ્રકશન સાઇટો પરથી શ્રમજીવીઓના પડી જવાની અને મૃત્યુની ઘટના બનતી હોવા તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી નથી

આવા બનાવોમાં આજદિન સુધી કોઇ પણ બિલ્ડરો કે કોન્ટ્રાકટર ને સજા અપાવામા નથી આવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

વડોદરા શહેરના માંજલપુર પાટીદાર ચોકડી પાસે એમ્બે એપિલન્સ સાઇટ ચાલી રહી છે. આ સાઇડ ઉપર મધ્યપ્રદેશના ઝાંબુઆ ખાતે મૂળ રહેતી 26 વર્ષીય રીનું મુકેશ ચૌહાણ મજૂરી કામ કરી રહી હતી. આ દરમિયાન આઠમા માળે ઝરી ભરવાનું કામ કરતી વખતે આકસ્મિક રીતે ગેલેરીમાંથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઉજાઓ પહોંચી હતી. બનાવ અંગે હાજર સાથી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા તેને પ્રાથમિક સારવાર માટે ત્વરિત 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત મહિલા મજૂરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં નવી બંધાતી કંસ્ટ્રકશન સાઇટ પર,ભાયલીમા,તેમજ માણેજામા સેફ્ટિના સાધનો વિના કામ કરતા શ્રમજીવીઓ નીચે પટકાતા મોતને ભેટ્યા હતા પરંતુ આવા કેસોમાં માલેતુજારો સામે કોઈ એક્શન તંત્ર દ્વારા લેવામાં આવ્યા ન હતા. મજબૂર શ્રમજીવીઓ પૂરતા સાક્ષર ન હોય તેઓને સરકારના શ્રમજીવીઓ માટેના નિયમોની જાણકારીના અભાવે પોતાના જીવનના જોખમે આવી કંસ્ટ્રકશન સાઇટો પર ઉંચાઇ પર સુરક્ષાનાં સાધનો વિના કામ કરતા હોય છે.માલેતુજારોને શ્રમજીવીઓના જીવની કે તેઓની સુરક્ષાની જાણે કોઇ ગંભીરતા ન હોય તેવું જણાય છે તો બીજી તરફ બાંધકામ શાખા તથા લેબર વિભાગ દ્વારા પણ શ્રમજીવીઓ ની સુરક્ષા માટે પૂરતાં પગલાં લેવામાં આવ્યાં છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી નથી જેનો ગેરલાભ બિલ્ડરો અને કોન્ટ્રાકટરો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે.

Most Popular

To Top