ષડયંત્રના ભાગરૂપે નવેમ્બર -ડિસેમ્બર-23ના કુલ બે મહિનાના બંને શિક્ષિકાઓના અલગ અલગ પગારપત્રકો બનાવી ખોટી સહીઓ કરી ખોટો દસ્તાવેજ ઊભો કર્યો.
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
હરણી બોટ કાંડમાં મૃતક શિક્ષિકાઓને યોગ્ય વળતર ન મળે અને સ્કૂલને આર્થિક રીતે વધુ નુકસાન ન થાય તે માટે નાયબ કલેકટર સમક્ષ મૃતક શિક્ષિકાઓની ખોટી સહીઓ સાથેના બનાવટી પત્રકો દસ્તાવેજ રજૂ કરાયા હોવાના આક્ષેપ સાથે મૃતક શિક્ષિકાના પુત્ર દ્વારા કોગ્નીજેબલ ગુનાની ગંભીરતા સાથે ઊંડાણપૂર્વક તપાસ કરવા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
વડોદરા શહેરના હરણી લેક ઝોન ખાતે ગત 18મી જાન્યુઆરીના રોજ બનેલી બોટ હોનારતમાં વાઘોડિયારોડ ખાતે આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12બાળકો તથા 2 શિક્ષિકાઓ મળીને કુલ 14લોકોના મોત નિપજ્યાં હતાં જેના માટે મૃતકના પરિજનો દ્વારા દોષિતોને સજા મળે તથા મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે શહેરના વાડી રંગમહાલ ખાતે રહેતા જીગર હિતેન્દ્રભાઇ સુરતીએ ફરિયાદ આપી છે જેમાં જણાવ્યા મુજબ તેમની માતા છાયાબેન સુરતી ન્યૂ સનરાઇઝ સ્કૂલમા 01-07-2023થી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા જ્યાં તેમને રોકડેથી પગાર ચૂકવવામાં આવતો હતો.શાળામા તમામ પગારદારોનો પગાર રેવન્યુ સ્ટેમ્પ લગાવી પત્રકમાં સહીં કરાવી ચૂકવવામાં આવતો હતો જેમાં પગાર પત્રકમાં ભરવામાં આવતી રકમ કરતાં ઓછો પગાર ચૂકવાતો પરંતુ ઘરમાં મજબૂરીના કારણે છાયાબેન આર્થિક શોષણ વેઠીને આ જોબ કરતા હતા.ગત 18જાન્યુઆરી,2024મા હરણી બોટ દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું હતું દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા દુર્ઘટનાનું સંજ્ઞાન લઈ 19-001-2024ના રોજ એક સુઓમોટો રીટ પીટીશન દાખલ કરી હતી પીટીશનની સુનવણી બાદ ભોગ બનનારા ની ઇન્કવાઇરી તથા પિડિતોને વળતર ચૂકવવા તપાસનો આદેશ કર્યો હતો ત્યારબાદ નાયબ કલેકટર દ્વારા ગુજરાત હાઈકોર્ટના આદેશાનુસાર તમામ પિડિતો,કોટિયા પ્રોજેક્ટ કંપનીને પી.પી.ધોરણે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેઓને તથા વડોદરા મહાનગર સેવાસદન અને ન્યૂ સનરાઇઝ સ્કૂલના તમામને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવી વળતર ચૂકવવા તબક્કાવાર સૂનાવણી હાથ ધરી હતી જેમાં મૃતક શિક્ષિકા છાયાબેન સુરતી અને મૃતક ફાલ્ગુની બેન મનિષભાઇ પટેલ ના પગાર વળતર જણાવવો જરૂરી હોય શાળા સંચાલકો પાસેથી પગાર પત્રક કે જેના પર બંનેની સહિઓ હોય તેવા દસ્તાવેજની જરૂર હોય કલેકટર દ્વારા દસ્તાવેજ રજૂ કરવા શાળા ને જણાવ્યું હતું પરંતુ શાળા સંચાલકો દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેમજ નાયબ કલેકટર સમક્ષ વળતર ચૂકવવાની કોઈ જવાબદારી બનતી ન હોય તેમ જણાવી જવાબદારીમાંથી છટકી જવાની કોશિશ કરી હતી પરંતુ જવાબદારીમાંથી છટકી શકે એમ ન હોય જરુરી દસ્તાવેજો એકત્રિત કરાયા હતા જે બાદ ન્યૂ સનરાઇઝ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રૂષિ વાડીયા એ બંને મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર મળે અને સ્કૂલને વધુ આર્થિક નુકશાન ન થાય તે માટે નવેમ્બર અને ડિસેમ્બર -2023ના પત્રકો તૈયાર કરી બંને મૃતક શિક્ષિકાઓની ખોટી સહીઓ કરી બનાવટી દસસ્તાવેજ નાયબ કલેકટર સમક્ષ રજૂ કર્યો હતો જે દસ્તાવેજ નાયબ કલેકટર કચેરીમાંથી જીગરભાઇને મળતાં તેમને જાણમાં આવ્યું હતું કે તેમની માતાની સહીં ખોટી છે તથા પગારની વિગતો પણ ખોટી અને મનઘડંત છે બંને મહિનાના પત્રકોમાં આખા પાના પર ફક્ત છાયાબેન નું નામ હતું અને સહીઓ પણ ખોટી હતી જ્યારે છાયાબેન સાથે ફરજ બજાવતા એક શિક્ષિકા સ્વાતી બેન હીજલીના પણ ચોપડામાં સહીં કરતા હતા તો પત્રકમાં ફક્ત એક જ નામ સાથે સહીં કેવી રીતે શક્ય બને?આમ બંને મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર અથવાતો યોગ્ય વળતર ન મળે તે માટે ખોટી સહીઓ સાથે પત્રક બનાવી બનાવટી દસ્તાવેજો રજુ કરાયા હોય જેમાં ષડયંત્ર રચી આ કાવતરું કરવામાં આવેલું હોવાના મામલે ગંભીર પ્રકારનો કોગ્નીજેબલ ગુનો બનતો હોય તેની ઉંડાણપૂર્વક તપાસ માટે રાવપુરા પોલીસ મથકે ન્યૂ સનરાઇઝ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રૂષિ વાડીયા,મયુરીબેન વ્યાસ, પંકજકુમાર એમ.ઠાકર,સુનિતાબેન સી.રાખુડે, શહેનાજબાનુ એન.બેલીમ તથા દિવ્યાબેન છણાની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.