ગેલેરીનો ભાગ તૂટી પડતા સ્થાનિક લોકોમાં ફફડાટ :
ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથધરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
વાઘોડિયા રોડ સૂર્ય નગર બસ સ્ટેશન પાસે શિવાંશ ફ્લેટની દીવાલ અચાનક તૂટી પડતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સદ નસીબે નીચે કોઈ હાજર નહિ હોવાથી મોટી જાનહાનિ થતા ટળી હતી. બનાવને પગલે પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.

વડોદરા શહેરમાં હજી પણ ઘણા એવા જર્જરિત મકાનો છે. જે પડુ પડુ થઈ રહ્યા છે. પાલિકા દ્વારા અગાઉ નિર્ભયતાની નોટિસો ફટકારી સંતોષ માણ્યો હતો. જોકે આજે પણ આવા મકાનો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે,છતાં તંત્રના પેટનું પાણી હલી નથી રહ્યું. તેવામાં શનિવારે આવું જ એક જર્જરિત મકાનની દીવાલ ( ગેલેરી ) તૂટી પડવાની ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ કૈલાશ સોસાયટી પાસે વર્ષો જૂનો શિવાંશ ફ્લેટ આવેલો છે. શનિવારે સાંજે આ ફ્લેટમાં એક દુકાનની ગેલેરીનો ભાગ કડડભૂસ થયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગેની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.