Vadodara

વડોદરા : વીસી પદેથી રાજીનામું આપી દેનાર વિજયકુમાર શ્રીવાસ્તવને છાવરવાનો પ્રયાસ, સત્તાધીશોના હાથ ધ્રુજી રહ્યા હોવાની ચર્ચા

એમએસયુની લો-ફેકલ્ટીમાં વીસીના ફોટા નહિ હટાવતા વિવાદ :

વીસીના ફોટો હટાવવા માટે સત્તાધીશોના હાથ કાપતા હોય તેવું લાગે છે : નિખિલ સોલંકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

વિજયકુમાર શ્રીવાસ્તવ વીસી પદે આવ્યા બાદ વધુ પડતા વિવાદોમાં સપડાયેલી એમએસયુમાં ફરી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. હાઈકોર્ટમાં કરેલી પિટિશન બાદ વીસી વિજયકુમારે રાજીનામુ આપી દીધું હતું. જોકે આ બાદ પણ હજીએ યુનિવર્સીટીની કેટલીક ફેકલ્ટીઓમાં વિજયકુમારના ફોટા લાગેલા જોવા મળતા ક્યાંકને ક્યાંક આ ફોટા હટાવવામાં સત્તાધીશોના હાથ ધ્રુજી રહ્યા હોય તેવી યુનિવર્સીટી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વીસી તરીકે વિજયકુમાર શ્રીવાસ્તવે પદભાર સંભાળતા જ તેઓના અણઘડ નિર્ણયોના કારણે વિરોધના સુર રેલાયા હતા. યુનિવર્સીટીના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. જોકે યુનિવર્સીટીનાજ પ્રો.સતીશ પાઠકે વિજયકુમારની લાયકાત ગેરકાયદેસર ઠેરવી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટમાં તેની સુનાવણી થાય તે પહેલા જ વિજયકુમારે ચાન્સેલર તરીકે રાજીનામું આપી દીધું હતું. નવમી તારીખે ફરી હિયરિંગ ગોઠવાયું. ત્યારે ચીફ જસ્ટિસે સ્પષ્ટ કરી દીધું કે તમારે આ વાઇસ ચાન્સેલર નો તમારો અનુભવ છે તેને તમારા ભવિષ્યના કોઈ પણ લાભ માટે ક્યાંય પણ તમે એને દર્શાવી નહીં શકો અને એનો તમે રિટર્નમાં એફિડેવિટ ઉપર અંડરટેકિંગ લખીને આપો. તો ત્યાર પછી આ વાત અટકે હવે એના સ્ટેટસની અંદર એમણે એક મુદ્દો એવો પણ મુક્યો હતો કે, તમારો અનુભવ નહીં ગણી શકાય પણ એની સામે પ્રોફેસરનો હશે તો વિચારીશું અથવા ચાલશે તો એની સામે પણ પ્રો.સતીશ પાઠકે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે,આ વિજય કુમાર શ્રીવાસ્તવને હજી પણ યુનિવર્સીટીમાં છાવરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. યુનિવર્સીટીની લો ફેકલ્ટીમાં વીસીના ફોટા લાગેલા છે. આ જે ફોટો લગાવાયેલા છે તેને જરૂરી સુધારો વધારો કરી ફરી લગાવી શકાય તેમ છે.,છતાં પણ આ ફોટા હજી હટાવવામાં નહિ આવતા યુનિવર્સીટીના વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

એમ.એસ.યુનિવર્સીટીના વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમા વીસીના સન્માનનીય પદ પર બેસવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરી વીસી બનેલા વિજય કુમાર શ્રીવાસ્તવને હાઈકોર્ટ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે, વિજય કુમાર શ્રીવાસ્તવ વીસી તરીકે નો કોઈ અનુભવનો ઉપયોગ નહીં કરી શકે અને વીસી તરીકે કોઇ કામ કર્યું છે તેનો અનુભવ કોઇ પણ જગ્યાએ બતાવી નહીં શકે. આ બધું જોતા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વીસી ના કોઈ પણ ફોટા એમ.એસ.યુમા લગાવેલા હોય તો તેને ઉતારી પાડવા જોઈએ. પરંતુ વીસી ના ફોટો હટાવવા માટે સત્તાધીશોના હાથ કાપતા હોય તેવું લાગે છે, કારણકે હાલ પણ અમુક ફેકલ્ટીમા વીસીના ફોટા લાગેલા છે પણ તે ફોટા હટાવવા માટે પણ સત્તાધીશો ડરતા હોય તેમ લાગે છે.

Most Popular

To Top