ક્રાઇમ બ્રાન્ચે બંનેને પાણીગેટ વિસ્તારમાંથી દબોચી લીધા
બંને આરોપી પાસેથી બે બાઇક, બે મોબાઇલ, બે ચેન તથા મંગળસુત્ર મળી રૂ. 5.22 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.2
વડોદરા શહેરના વાઘોડિયા રોડ તથા સોમાતળાવ વિસ્તારમાં 15 દિવસમાં ઉપરા છાપરી બે મહિલાના ટાર્ગેટ કરીને તેમના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્રની આંચકી લેવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીને પાણીગેટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપી પાસેથી બે ચેન, મંગળસુત્ર, બે મોબાઇલ અને બે બાઇક મળી રૂ. 5.22 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. બંને આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઇ તથા પાણીગેટ પોલીસને સોંપાયા છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ તેમજ સોમાતળાવ પાસેથી બાઇક પર આવીને બે શખ્સો દ્વારા મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર આંચકી ફરાર થઇ જવાના બનાવો બન્યા હતા. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર તોડનાર શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન બામતી મળી હતી કે પાણીગેટ હનુમંતેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક સાથે બે શખ્સ હરમુખ ઉર્ફે રાધે પ્રવિણ કહાર (રહે. બાવચાવાડ ટેકરા પાણીગેટ) તથા સલીમ માસૂમ અલીશા દિવાન (રહે. જહુરશાનો ટેકરો પાણીગેટ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓની અંગજડતી કરવામાં આવતા બંને પાસેથી ચેઇનો, મંગળસુત્ર, મોબાઇલ 2, અને બાઇક મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા તેમની પાસે તમામ વસ્તુના પુરાવાની માગણી કરતા તેઓ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે તેમની કડકાઇથી પુછપરછ કરતા બંને બાઇક પર વારાફરતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર તોડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ દ્વારા બે ચેન અને મંગળસુત્ર , બે બાઇક અને બે મોબાઇલ મળી રૂ . 5.22 લાખનો મુદ્દામાલ કબજે કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઇ તથા પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યા છે.
