Charotar

ડીડીઓ દ્વારા નડિયાદના અંધારી-આંબલી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ કરાયા


અસાક્ષર મહિલા સરપંચના પુત્ર દાખલાઓમાં સહી-સિક્કા કરતા હોવાનો વીડિયો વાયરલ થયેલો઼
(પ્રતિનિધિ) નડિયાદ, તા.25
નડિયાદ તાલુકાના અંધારી આંબલી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા છે. મહિલાના બદલે તેમના પુત્ર દ્વારા દાખલાઓમાં સહી અને સિક્કા કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે મામલે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા છે.
નડિયાદ તાલુકામાં અંધારી આંબલી ગામ આવેલુ છે. જેમાં શારદાબેન અજીતભાઈ ઠાકોર સરપંચ તરીકે ચુંટાયા હતા. ગ્રામ પંચાયતનો તમામ વહીવટ શારદાબેનના બદલે તેમનો દિકરો કરતો હતો. જે મામલે ગામના ગીરીશભાઈ સોઢાપરમાર દ્વારા જિલ્લા કલેક્ટર અને ડીડીઓને પુરાવા સાથે લેખિત અરજી કરવામાં આવી હતી. વર્ષ 2022માં કરાયેલી લેખિત અરજીમાં તેમણે મહિલા સરપંચના દિકરા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલા સરપંચનો દિકરો જ તમામ દાખલાઓમાં સહી અને સિક્કા કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ અંગેનો વીડિયો પુરાવો પણ રજૂ કર્યો હતો. સાથે જ વિકાસના કામો પણ મનફાવે તેમ કરતો હતો. જે સબંધની રજૂઆત ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચ શારદાબેનને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે. જે મામલે શારદાબેને જણાવ્યુ છે કે, અમારી સામે જે ચૂંટણી હારી ગયા તે લોકો દ્વારા અમને બદનામ કરવા માટે ખોટી અરજીઓ કરી હતી અને કાવતરુ કરી અમને સસ્પેન્ડ કરાવાયા છે.

Most Popular

To Top