એસઓજીએ ગત મહિને 1.075 કિલોગ્રામ ગાંજા સાથે કેરીયરને પણ દબોચ્યો હતો
આરોપીની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.24
ગોરવા વિસ્તારમાંથી ઝડપાયેલા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા ગાંજાના સપ્લાયરને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સપ્લાયરની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના એનડીપીએસ સહિતના વિવિધ ગુનામા ઘણા આરોપીઓ ભાગતા ફરે છે. ત્યારે એસઓજી પીઆઇ એસ ડી રાતડા દ્વારા વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગત 12 ડિસેમ્બરના રોજ 1.075 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કેરીયર અર્જુન અશોક માળીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અર્જુન ગાંજા કોની પાસેથી લાવતો હતો અને તેને કોને કોને સપ્યાલ કરતો હતો. તેની તપાસ કરતા યોગેશ રમેશ હિરવે (રહે. અમૃતનગર,અક્ષર એપાર્ટમેન્ટની બાજુમાં સમતા રોડ સુભાનપુરા વડોદરા)ની સંડોવણી બહાર આવી હતી. જેથી એસઓજી દ્વારા આરોપી યોગેશ હિરવેને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમી નઆધારે એસઓજી દ્વારા આરોપી અર્જુન હિરવેને ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક માસ દરમિયાન વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 7 એનડીપીએસના એકટ હેઠળના કેસો કરીને 17 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી ગાંજો, હાઇબ્રિડ ગાંજો, અફીણ મળી રૂ. 28.37 લાખ, રોકડા રૂ.2.94 લાખ અને અન્ય મુદ્દામાલ રૂ. 13.87 લાખ મળી રૂ. 45.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.