Vadodara

વીજીએલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી નોકરિયાત પરિણિતાના ખાતામાંથી દોઢ લાખ ઉપાડી લેતાં સાયબર ગઠિયા

તમે ગેસ બિલ ભરેલું છે તે સિસ્ટમમાં દેખાતું નથી” તેમ જણાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી

*સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી, ગેસ કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આચરાતી છેતરપિંડી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના માંજલપુરમાં રહેતી નોકરિયાત પરણિત મહિલાને “તમે ગેસ બિલ ભરેલું છે પરંતુ સિસ્ટમમાં દેખાતું નથી” તેમ જણાવી વીજીએલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર કુલ રૂ 1,49,801 સાયબર ગઠિયાઓએ પડાવી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાવતા સાયબર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

દિવસે દિવસે સાયબર અપરાધની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ટેક્નોલોજીનો આવિષ્કાર અને તેનો વિસ્તાર થયો છે તેમ તેમ સાયબર ફ્રોડના કેસોમાં પણ વધારો થયો છે. લોકો લાખો રૂપિયા ગુમાવી સાયબર ફ્રોડના શિકાર બની રહ્યા છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગેસ કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી આચરી રહ્યાં છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા સરસ્વતી સોસાયટીમાં રહેતા પ્રિયંકા હિતેશ પવાર જેઓ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટ તરીકે ફરજ બજાવે છે તેમના પતિ ચકલી સર્કલ પાસે આવેલા આઇસીઆઇસીઆઇ બેન્કમાં ફરજ બજાવે છે.પ્રિયંકાબેનનુ બેન્ક એકાઉન્ટ પણ આ જ બેન્કમાં છે ગત 26 ઓક્ટોબર,2024ના રોજ પ્રિયંકાબેન પોતાની ઓફિસમાં હતા તે દરમિયાન તેમના સાસુ રોહિણીબેનનો તેમના પર કોલ આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે એક ફોન નંબર 9502756576પરથી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે તેમાં શું કહેવા માગે છે તે ખબર પડતી નથી .જેથી પ્રિયંકાબેને આ મોબાઇલ પર ફોન કરતાં સામેથી જણાવ્યું હતું કે “તમે ગેસ બિલ ભરેલું છે તે સિસ્ટમમાં દેખાતું નથી જેથી તમો વીજીએલ એપ્લિકેશન ડાઉનલોડ કરો” તેમ જણાવતા પ્રિયંકાબેને ઓફિસના મોબાઇલ ફોનથી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તે દરમિયાનમાં વાતચીત કરતા વ્યક્તિએ રૂ.200ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું જેથી પ્રિયંકાબેને આઇસીઆઇસીઆઇ બેન્ક એકાઉન્ટમાંથી બેન્ક એપ્લિકેશનથી ટ્રાન્સફર કર્યા હતા. જેથી સામેથી તમારા રૂપિયા જમા થઈ ગયા છે તેમ જણાવતા ત્યારબાદ ફોન મૂકી દીધો હતો ત્યારબાદ પ્રિયંકાબેને વડોદરા ગેસ લિમિટેડ માં ઓનલાઇન ચેક કરતાં રૂ.200 માઇનસ જણાયા હતા ત્યારબાદ પ્રિયંકાબેન પોતાના ઓફિસ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આશરે પોણા કલાક બાદ તેમને ફોન પર મેસેજ આવ્યો હતો જેમાં તેમના બેન્ક એકાઉન્ટમાં થી રૂ. 50,000અને રૂ.99,801મળીને કુલ રૂ 1,49,801ઉપડી ગયા હતા. જેથી તેઓને ઓનલાઇન છેતરપિંડી થયાનું જણાતા તેમણે સાયબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવી હતી જે અંગેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે

Most Popular

To Top