Vadodara

શહેરના દિનેશ ટેક્ષ્ટાઈલ મિલમાં કામ કરતા સુપરવાઇઝરના પગ પર મશીનનો ભાગ પડતાં પગમાં ગંભીર ઇજાઓ પહોંચી

રાતની શિફ્ટમા કામ ચાલતું હતું વહેલી સવારે સુપરવાઇઝર ઓટોમેટિક મશીનને ચેક કરી રહ્યા હતાં તે દરમિયાન બનાવ બન્યો

એસ.એસ.જી. હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી ઇજાગ્રસ્ત ને શહેરના ટ્રાય કલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા દિનેશ ટેક્ષ્ટાઈલ મિલમાં નાઇટ શિફ્ટ માં કામ કરતા સુપરવાઈઝરને વહેલી સવારે ઓટોમેટિક મશીનને ચેક કરવા દરમિયાન અચાનક મશીનનો એક ભાગ પડતાં જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને ઇમરજન્સી 108 મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુવિધાના અભાવે તેઓને શહેરના ટ્રાયકલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ઇજાગ્રસ્ત ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સલાટવાડા ખાતે ભાડેથી રહેતા મૂળ બિહારના વતની રણજીત જાદવ છેલ્લા દોઢેક વર્ષથી વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન અલકાપુરી ગરનાળા પાસે આવેલા દિનેશ ટેક્ષ્ટાઈલ મિલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ ગત રાતની શિફ્ટમા અહીં ફરજ પર હતા તેઓ આજે વહેલી સવારે 5:42કલાકે દસ મીટર નિડલ લૂમ ઓટોમેટિક મશીન કે જેના પર નાયલોન ફાયબર પ્રોસેસિંગ થાય છે તે મશીનને ચેક કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક મશીનનો એક ભાગ પગ પર પડતાં પગ મશીનમાં ફસાયો હતો જેથી તેમણે બચાવ માટે શોર મચાવતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેઓને મુશ્કેલી થી બચાવ્યા હતા. સુપરવાઈઝરને જમણા પગમાં જાંઘના ભાગેથી પગના પંજાના ઉપરનો ભાગ કચડાઇ જતાં તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રથમ સારવાર આપવામાં આવી હતી પરંતુ કેટલીક સુવિધાઓ ન હોવાથી તેઓને ટ્રાયકલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણાં કંપનીઓમાં કર્મચારીઓ માટે સુરક્ષાના પૂરતાં સાધનો હોતા નથી જેના કારણે ઘણીવાર આવી દુર્ઘટનાઓ બનતી હોય છે જેનો ભોગ કર્મચારીઓ બનતા હોય છે ઘણીવાર જીવ ગુમાવવાનો વારો આવે છે તો કેટલાક કેસોમાં કર્મચારીઓ કાયમી ખોડખાંપણ નો ભોગ બની રહ્યા છે જેના કારણે આવા કર્મચારીઓની સાથે સાથે તેમના પરિવારને ભોગવવાનો વારો આવે છે.રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો તથા કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષા નીતિઓ બનાવી છે પરંતુ તેનો અમલ થતો નથી અને સુરક્ષા નીતિઓ માત્ર કાગળ પૂરતી સીમિત રહી જાય છે પરિણામે આવા કેસોમાં કંપનીઓ,કોન્ટ્રાક્ટરો કે બિલ્ડરો પૈસા અને વગના જોરે આવા મામલાઓને દબાવી દેતા હોય છે પરિણામે મજબૂર લોકોને યોગ્ય ન્યાય મળતો નથી.

Most Popular

To Top