Vadodara

છોટાઉદેપુર જિલ્લાના બે અલગ અલગ બનાવમાં બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બે યુવકોના સારવાર દરમિયાન મોત

નર્મદા કેનાલ અમરોલી ગામ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

એકનું જાંબુઘોડા પાસે બાઇક સ્લીપ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા. 20

છોટાઉદેપુર જિલ્લાના બે અલગ અલગ સ્થળોએ જેમાં આમરોલી ગામ નજીક નર્મદા કેનાલ પાસેના રોડ પરથી પસાર થતા યુવકની બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે બીજા એક પાવી જેતપુર ના યુવકનું જાંબુઘોડા પાસે બાઇક સ્લીપ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ બનાવમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાણી મહુડા ગામના તણખલા ફળિયામાં રહેતા અજય શૈલેષભાઇ ભીલ નામનો 20 વર્ષીય યુવક ગત તા. 01લી જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે અમરોલી ગામ પાસે આવેલા નર્મદા કેનાલ નજીકના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક બાઇક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે ગત તા. 02જી જાન્યુઆરીના રોજ રાત્રે પોણા નવ કલાકે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા.‌20 મી જાન્યુઆરીના રોજ સવારે પોણા છ વાગ્યે એસ.આઇ.સી.યુ. સર્જરી ડી -યુનિટમા મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજા બનાવમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા આમરોડ ગામ ખાતે રહેતા પ્રવિણ સુરેશભાઇ રાઠવા નામના આશરે 23 વર્ષીય યુવક ગત તા. 19મી જાન્યુઆરીના રોજ સાડા દસ વાગ્યાના સુમારે કામ પરથી ઘર તરફ મોટરસાયકલ પર જઇ રહ્યો હતો તે દરમિયાન જાંબુઘોડા ગામ પાસે અચાનક બાઇક સ્લીપ થતાં યુવક નીચે પટકાતા બેભાન થઇ ગયો હતો જેથી આસપાસના લોકોએ તેને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં શ્રીજી હોસ્પિટલ બોડેલી ખસેડ્યો હતો જ્યાં તેની તબિયતમાં સુધારો ન થતાં તેને રિફર કરી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તા. 20મી જાન્યુઆરીના રોજ સવારે તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top